દેશમાં ૩૦૦ કરોડની ઓઈલ ચોરી કરનારને ગુજરાત એટીએસએ ઝડપી લીધો
ગત ઓગસ્ટમાં દુબઈ નાસી ગયો હતો: મુંબઈ એરપોર્ટથી ધરપકડ કરાઈ
(પ્રતિનિધિ) અમદાવાદ, ઓઈલ ચોરી કરતાં તત્વો સમગ્ર દેશમાં સક્રીય છે જાેકે તંત્ર દ્વારા અવારનવાર દરોડા પાડીને આવા કૌભાંડો પકડીને આરોપીઓને જેલભેગા કરવામાં આવે છે ત્યારે ૩૦૦ કરોડની ઓઈલ ચોરીના કૌભાંડમાં સંડોવાયેલો અને ગત ઓગસ્ટ મહીનાથી ફરાર થયેલા એક શખ્સને ગુજરાત એટીએસએ મુંબઈથી ઝડપી લીધો છે. ઝડપાયેલો શખ્સ અગાઉ પણ ઓઈલ ચોરીના કેસમાં જેલ જઈ આવ્યો છે.
ગુજરાત એટીએસને મળેલી બાતમીને આધારે એસઓજી મોરબી દ્વારા જુલાઈ ર૦ર૦ ઓઈલ ચોરી ઝડપી લેવામાં આવી છે. જેમાં સંદીપ ગુપ્તા નામના શખ્સની સંડોવણી બહાર આવી હતી. સંદીપ વિશે તપાસ કરતા તે દેશભરમાં જુદા જુદા રાજયોમાં ૧૪ જેટલી ઓઈલ પાઈપમાં પંચર પાડીને રૂપિયા ૩૦૦ કરોડની ઓઈલ ચોરીના કૌભાંડમાં સંડોવાયેલો હોવાનું જાણતા પોલીસ પણ ચોંકી ઉઠી હતી જાેકે પોલીસ તેના સુધી પહોંચે એ પહેલાં જ સંદીપ ઓગસ્ટ, ર૦ર૦માં દુબઈ ફરાર થઈ ગયો હતો. બાદમાં તે પરત ફરવાનો હોવાની બાતમી મળતાં જ ગુજરાત એટીએસની એક ટીમ મુંબઈ રવાના થઈ હતી અને દુબઈથી પરત ફરતા સંદીપને એરપોર્ટ પરથી જ ઝડપી લીધો હતો. સંદીપ જયાંથી ઓઈલ પાઈપલાઈન પસાર થતી હોય ત્યાં પંચર કરીને ૩૦૦થી ૪૦૦ મીટર દુર પાઈપ લાઈન લંબાવતો હતો બાદમાં તે જગ્યાએ ફેકટરી બનાવી ટેન્કરો મારફતે ક્રુડ ઓઈલ ભરીને હેરાફેરી કરતો હતો.
તેણે રાજસ્થાનનાં બ્યાવર, બર, બંગાળમાં કોલકતા તથા વર્ધમાનનગર, બિહારના જમુઈ તથા રોહતક, ગોહાના અને ચિતોડગઢમાં પણ ઓઈલ ચોરીનું કૌભાંડ આચર્યુ હતું ઉપરાંત તાજેતરમાં ખેડાના વડાળા પાટીયા પાસેની ઓઈલ ચોરીમાં પણ તે સંડોવાયેલો હોવાનું કબુલ કર્યું હતું. અત્રે ઉલ્લેખનીય છે કે વર્ષ ર૦૧૩માં રાજસ્થાન પોલીસે તેની ધરપકડ કરી હતી જાેકે ૧૦ મહીના જેલમાં રહયા બાદ તેણે ફરીથી એ જ ધંધા શરૂ કર્યા હતા પોલીસે તેના સાથીદારોની તથા ઓઈલ ખરીદદારોની ભાળ ભેળવવા પ્રયાસ શરૂ કર્યા છે. બીજી તરફ મુંબઈ અને દિલ્હીમાં તેની મિલ્કતો પણ ટાંચમાં લેવાની પ્રક્રિયા શરૂ કરાઈ છે. હાલ સુધીમાં પોલીસે રપ જેટલા કન્ટેનર પણ જપ્ત કર્યા છે.