દેશમાં 10 કરોડ લોકો કોરોના વેક્સિનનો બીજો ડોઝ લેવા પહોંચ્યા નહીં
નવી દિલ્હી, જ્યાં એક તરફ દેશ 100 કરોડ વેક્સિન ડોઝ લગાવવાના લક્ષ્યના એકદમ નજીક છે ત્યાં કોરોના વેક્સિનેશનને લઈને એક મોટી સમસ્યા પણ સામે આવી છે. દેશમાં 10 કરોડ એવા લોકો છે જેમણે વેક્સિનનો પહેલો ડોઝ તો લગાવ્યો પરંતુ બીજો ડોઝ લગાવવા આવ્યા નહીં. નીતિ આયોગના સદસ્ય વીકે પૉલે બીજો ડોઝ લેનારની સંખ્યામાં ઘટાડા પર ચિંતા વ્યક્ત કરી છે. તેમણે અપીલ કરી છે કે લોકોને આગળ આવીને બીજો ડોઝ લગાવવો જોઈએ.
વીકે પોલે કહ્યુ, દેશમાં હજુ એવા 10 કરોડ લોકો છે જે પહેલો ડોઝ લીધા બાદ વેક્સિનનો બીજો ડોઝ લેવા આવી રહ્યા નથી. વીકે પોલે કહ્યુ, આવા લોકોને અપીલ કરો કે તેઓ વેક્સિનને લઈને પોતાના ડરને દૂર કરીને બીજો ડોઝ લેવા માટે આગળ આવે.
પોલે કહ્યુ, વેક્સિનના એક ડોઝથી કોરોના વિરૂદ્ધ આંશિકરીતે ઈમ્યુનિટી મળે છે જ્યારે બંને ડોઝ લેવાથી સારી ઈમ્યુનિટી મળે છે. બૂસ્ટર ડોઝની જરૂરિયાત પર તેમણે કહ્યુ, વૈજ્ઞાનિકોને એ નક્કી કરવુ જોઈએ કે આની જરૂર છે કે નહીં. અમેરિકા સહિત કેટલાક દેશોમાં વેક્સિનના બૂસ્ટર ડોઝને મંજૂરી આપવામાં આવી છે.