દેશમાં 16 માર્ચથી 12થી 14 વર્ષના બાળકોને કોવિડ વેક્સિન અપાશે

નવી દિલ્હી, કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રી મનસુખ માંડવિયાએ ટ્વિટ કરીને જાહેરાત કરી છે કે, હવે 16 માર્ચથી 12થી 14 વર્ષના બાળકોને કોવિડ વેક્સિનેશન આપવામાં આવશે. નોંધનીય છે કે, સરકારે બીજા તબક્કામાં 15થી 18 વર્ષના બાળકોને વેક્સિન આપવાની જાહેરાત કરી દીધી હતી. રાજ્યની તમામ શાળાઓ શરૂ થઈ ગઈ છે ત્યારે આ જાહેરાતથી વાલીઓમાં હાશકારો અનુભવાશે.
મનસુખ માંડવિયાએ ટ્વિટ કર્યું છે કે, બાળકો સુરક્ષીત છે તો દેશ સુરક્ષીત. તેમણે આગળ લખ્યું છે કે, મને જણાવતા ખુશી થાય છે કે 16 માર્ચથી 12થી 14 વર્ષના બાળકોને કોરોના વેક્સિન આપવાની શરૂઆત કરવામાં આવી રહી છે. તે સાથે જ 60થી વધુ ઉંમરના લોકોને હવે પ્રિકોશન ડોઝ પણ આપી શકાશે. તેમણે બાળકો અને વૃદ્ધોને કોરોના વેક્સિન લગાવી લેવાની પણ અપીલ કરી છે.