દેશવિદેશ મ્યાનમારમાં સૈન્ય તખ્તાપલટના અહેવાલ, આંગ સાન સૂને કસ્ટડીમાં લેવામાં આવ્યાં- રિપોર્ટ
મ્યાનમારમાં સૈન્ય તખ્તાપલટના અહેવાલ આવી રહ્યા છે. ન્યૂઝ એજન્સી એપી મુજબ, સ્ટેટ કાઉન્સિલર આંગ સાન સૂ કીને ઘરમાં નજરકેદ કરવામાં આવી છે. મ્યાનમારના ઓનલાઇન પોર્ટલ મ્યાનમાર નાઉએ અજ્ઞાત સૂત્રોના હવાલાથી જણાવ્યું કે, સૂ કી અને તેમની પાર્ટીના અધ્યક્ષની સોમવાર વહેલી સવારે ધરપકડ કરવામાં આવી છે. જોકે આ વિશે હજુ વિસ્તૃત જાણકારી નથી મળી શકી.
મળતી માહિતી મુજબ, નેપીડૉમાં તમામ કોમ્યુનિકેશન લાઇનોને કાપી દેવામાં આવી છે. નેશનલ લીગ ઓફ ડેમોક્રેસી પાર્ટીના લોકો સાથે વાત નથી થઈ શકી.
ભારતના ખૂબ ન નજીક આવેલા દેશ મ્યાનમારમાં એક દશક પહેલા સુધી લગભગ 50 વર્ષ સુધી સૈન્ય શાસન રહ્યું હતું. ગયા વર્ષે નવેમ્બરમાં થયેલી ચૂંટણીમાં સત્તાધારી એનએલડી પર ગેરરીતિના આરોપ લાગ્યા હતા.
સેનાએ દેશમાં સૈન્ય તખ્તાપલટાના સમાચારોથી પહેલા ઇન્કાર કરી દીધો હતો. નોંધનીય છે કે કેટલાક પશ્ચિમી રાજદૂતોએ મ્યાનમારમાં તખ્તાપલટાની આશંકા વ્યક્ત કરી હતી. જોકે બાદમાં મ્યાનમારની સેના તત્પદૌ (Tatmadaw)એ નિવેદન જાહેર કરીને કહ્યું હતું કે તેમના કમાન્ડર ઇન ચીફ સીનિયર જનરલ મિન આંગ લાઇંગના નિવેદનને તોડી મરોડીને રજૂ કરવામાં આવ્યું છે. મૂળે, સંસદ સત્ર પહેલા જ સેનાએ ચેતવણી આપી હતી કે ચૂંટણી દરમિયાન વોટોમાં ગડબડ પર કાર્યવાહી નહીં કરવામાં આવે તો તેઓ એક્શન લઈ શકે છે.