દેશી પિસ્તોલ અને કારતુસ સાથે એક શખ્સ ઝડપાયા

પ્રતિકાત્મક
આણંદ, આણંદ સ્પેશ્યલ ઓપરેશન ગ્રુપને બાતમી મળી હતી કે, બોરીયાવી ગામે રહેતો ધવલ પટેલ નામનો શખ્સ દેશી હાથ બનાવટની પિસ્તોલ લઇને બોરીયાવી બ્રિજના છેડે આવેલા રેલ્વે ગરનાળા પાસે આવ્યો છે.
આ બાતમી આધારે એસઓજી પોલીસ સબ ઇન્સ્પેક્ટર એચ.એમ. રાણાએ ખાસ ટીમ બનાવી હતી અને ગુરૂવારની મોડી રાત્રે બોરીયાવી ગામે કાર્યવાહી હાથ ધરી હતી. જેમાં રેલવે ગરનાળા નજીક વોચ ગોઠવી હતી.
આ દરમિયાન વર્ણન મુજબનો ઇસમ બોરીયાવી ગામ તરફથી રેલવે ગરનાળા નજીક ચાલતો આવતા દેખાતા તેને કોર્ડન કરી લીધો હતો. આ શખ્સની પુછપછ કરતાં તે ધવલ નગીન પટેલ (રહે. ઉમીયા ચોક, બોરિયાવી) હોવાનું જણાવ્યું હતું. આ શખ્સની અંગ જડતી લેતા તેની પાસેથી દેશી બનાવટની પિસ્તોલ મળી આવી હતી. સદ્દનસીબે તે અનલોડેડ હતી.
પરંતુ પેન્ટના ખીસ્સામાં જાેતા ત્રણ જીવતા કોરતુસ મળી આવ્યાં હતાં. જેના પગલે આ શખસની સ્થળ પર જ અટક કરવામાં આવી હતી.
આ પિસ્તોલ અંગે પુછપરછ કરતાં ધવલે તે મધ્યપ્રદેશથી ખરીદી હોવાનું કબુલ્યું હતું. આથી, પોલીસે પિસ્તોલ, કારતુસ સહિત કુલ રૂ.૩૫ હજાર ૬૦૦નો મુદ્દામાલ કબ્જે કરી તેની વધુ પુછપરછ માટે આણંદ ગ્રામ્ય પોલીસને હવાલે કરવામાં આવ્યો હતો.ss3kp