દેશ માટે મેડલ જીતવો મારી નહીં ભગવાનની યોજના હતી
![](https://westerntimesnews.in/wp-content/uploads/2021/08/NeerajChopra-1024x683.jpg)
નીરજ ચોપડાએ ગોલ્ડ જીત્યા બાદ કહ્યું-મારી ક્યારેય યોજના નહોતી કે મારે સ્પોર્ટ્સમાં જવું છે
નવી દિલ્હી, ટોક્યો ઓલમ્પિકમાં ગોલ્ડ મેડલ જીતીને ઈતિહાસ રચનારા નીરજ ચોપડાએ કહ્યું કે, દેશ માટે રમવું અને મેડલ જીતવો તેની નહીં ભગવાનની યોજના હતી. ભારતને એથલેટિક્સમાં પહેલો ઓલમ્પિક મેડલ અપાવનારા નીરજે કહ્યું કે સ્પોર્ટ્સ ક્યારેય તેની યોજનાનો હિસ્સો નહોતું અને ન તો દેશ માટે રમવું અને મેડલ જીતવા વિશે મેં ક્યારેય વિચાર્યું નહોતું.
એએનઆઇ સાથે વાત કરતાં નીરજે જણાવ્યું કે, મારો પરિવાર ઉપરાંત મારા ગામમાં પણ કોઈ પણ સ્પોર્ટ્સમાં નથી. નીરજે ભગવાનનો આભાર માનતા કહ્યું કે, એવું લાગે છે કે આ પહેલાથી યોજના બનેલી હતી, કારણ કે મારી ક્યારેય યોજના નહોતી કે મારે સ્પોર્ટ્સમાં જવું છે.
નીરજ ચોપડાએ કહ્યું કે, આ બધો સંયોગ હતો કે હું સ્ટેડિયમમાં ગયો અને જેવલિન ફેંકવાનું શરૂ કર્યું. આ બધું થવાનું જ હતું અને મેં દિલથી મહેનત કરી. આ ઉપરાંત જે સપોર્ટ મળ્યો, તેના કારણે જ આજે હું અહીં પહોંચ્યો છું. નોંધનીય છે કે, નીરજ ચોપડાએ ફાઇનલમાં ૮૭.૫૮ મીટર જેવલિન થ્રો કરીને ભારતને ૧૦૦ વર્ષના ઇંતજારને ખતમ કરીને એથલિટિક્સમાં મેડલ અપાવ્યો. નીરજે પોતાના વજનને ઓછું કરવાના ઈરાદાથી સ્પોર્ટ્સની દુનિયામાં પ્રવેશ કર્યો હતો અને આજે તે જેવલિનની રમતનો બાદશાહ બની ગયો છે.
નોંધનીય છે કે, હરિયાણાના પાણીપતના રહેવાસી નીરજ ચોપડાએ મેડલ જીત્યા પછી કહ્યું હતું કે હું પોતાના આ ગોલ્ડ મેડલને મહાન મિલ્ખા સિંહને સમર્પિત કરું છું. કદાચ તે મને સ્વર્ગમાંથી જાેઈ રહ્યા હશે. મેં ગોલ્ડ મેડલ જીતવા વિશે વિચાર કર્યો ન હતો પણ કશુંક અલગ કરવા માંગતો હતો. હું જાણતો હતો કે આજે પોતાનું સર્વશ્રેષ્ઠ પ્રદર્શન કરીશ. હું ઓલિમ્પિક ગેમ્સનો રેકોર્ડ તોડવા માંગતો હતો. બસ આ જ કારણથી.
નીરજે વધુમાં કહ્યું હતું કે તે મેડલ સાથે મિલ્ખા સિંહને મળવા માંગતો હતો. સાથે જ ઉડન પરી પીટી ઉષા અને તે એથ્લેટોને આ મેડલ સમર્પિત કર્યો છે જે ઓલિમ્પિક મેડલ જીતવાની નજીક પહોંચ્યા હતા પણ સફળ થઇ શક્યા ન હતા. નીરજે કહ્યું કે જ્યારે રાષ્ટ્રગાન વાગી રહ્યું હતું અને ભારતીય તિરંગો ઉપર તરફ જઈ રહ્યો હતો, તે રડવાનો હતો.