દેશ સાથે ગદ્દારી કરનાર બીએસએફ જવાનના ૧૦ દિવસના રિમાન્ડ મંજૂર
ભુજ, ગુજરાત એટીએસના અધિકારીઓને આધારભુત અને વિશ્વસનીય સુત્રો તરફથી હકીકત બાતમી મળી હતી કે, સજ્જાદ સન ઓફ મોહંમદ ઇમ્તીયાઝ કે જમ્મુ કાશ્મીરનો રહેવાસી છે અને હાલમાં બીએસએફ બટાલિયન ૭૪ માં છ કંપનીમાં ગાંધીધામ કચ્છ ખાતે ફરજ બજાવે છે.
આ સાથે જ તેના દ્વારા દેશ વિરોધી પ્રવૃત્તી કરવામાં આવી રહી છે અને આ બાતમીના આધારે તેને પકડી પાડવામાં આવ્યો હતો,આરોપી સજ્જાદને ગુજરાત એટીએસ દ્વારા ભુજની કોર્ટમાં રજૂ કરવામાં આવ્યો હતો અને વધુ પૂછપરછ માટે ૧૪ દિવસના રિમાન્ડની માંગણી કરવામાં આવી હતી. સ્પેશિયલ કોર્ટના જજ દ્વારા આરોપી સજ્જાદના ૧૦ દિવસના રિમાન્ડ મંજૂર કરવામાં આવ્યા છે. ફરી તેને ૬ઠ્ઠી નવેમ્બરે કોર્ટમાં રજૂ કરવામાં આવશે.
આ રિમાન્ડ દરમિયાન આરોપીની સઘન પૂછપરછ કરવામાં આવશે, જેમાં તેની સાથે કોણ કોણ સંકળાયેલા છે અને શા માટે તેને દેશ સાથે ગદ્દારી કરી છે, વગેરે અંગેના વધુ ખુલાસા થવાની સંભાવનાઓ છે પ્રાથમિક તપાસ દરમિયાન, આરોપી સજ્જાદ ખોટા બર્થ સર્ટિફિકેટ બનાવીને બીએસએફમાં ભરતી થયો હતો.
જમ્મુના રાજૌરી જિલ્લાના મંજા કોટે તાલુકાના સરૂલા ગામનો સજ્જાદ મોહમ્મદ ઈમ્તિયાઝ વોટસએપ દ્વારા પાકિસ્તાનમાં બીએસએફની મૂવમેન્ટ સહિતની સંવેદનશીલ અને ગુપ્ત માહિતી મોકલતો હતો.સજ્જાદ સામે પાર માહીતી મોકલતો હતો, તેમા ફોનનો ઉપયોગ કરતો હતો અને તે ફોનમાં સામેવાળી વ્યકિતને અંકલ તરીકે બોલાવતો હોવાની વાત સામે આવી હતી.
આ ઉપરાંત આગામી પૂછપરછ દરમિયાન આ જવાન જે જે જગ્યાએ ડ્યુટી પર હતો તે તે જગ્યાએ પણ તપાસ કરવામાં આવશે, ખાસ કરીને ત્રિપુરા ખાતે તેને લઇ જઇને તપાસ હાથ ધરાશે તેવી વાત પણ સૂત્રો દ્વારા જાણવા મળી છે. આ ઉપરાંત, તેને કઈ કઈ માહિતી પાડોશી રાષ્ટ્રને પહોંચાડી છે અને કયાં ક્યાં લોકો સાથે તેના સબંધ હતા વગેરેની માહિતી પણ ટૂંક સમયમાં બહાર આવશે.HS