દૈનિક કોરોના કેસ અને મૃત્યુ મામલે ભારત પહેલા નંબરે
![](https://westerntimesnews.in/wp-content/uploads/2021/05/Corona-9.jpg)
કોરોના સંક્રમણથી ગંભીર રીતે પ્રભાવિત દેશોમાં બ્રાઝિલ આ સમયે બીજા નંબર ઉપર છે જ્યાં છેલ્લા ૨૪ કલાકમાં ૨૫,૨૦૦ નવા કેસ નોંધાયા છે
નવી દિલ્હી: બે દિવસ ભારતમાં કોરોનાના કેસમાં ઘટાડો નોંધાયા બાદ ફરી એકવાર નવા કેસ ૩.૫ લાખને પાર કરી ગયા છે. બુધવારે દેશમાં ૩,૬૨,૭૨૦ નવા કેસ સામે આવ્યા છે ને ૪,૧૩૬ લોકોના મોત થઈ ગયા છે. ભારતમાં સતત બીજા દિવસે મૃત્યુઆંક ૪૦૦૦ને પાર ગયો છે. ડબલ્યુએચઓ દ્વારા કલેક્ટર કરવામાં આવેલા ડેટા પ્રમાણે, ભારતમાં ત્રણ દિવસથી દુનિયામાં નોંધાતા કેસોમાં સૌથી મોટું કોન્ટ્રિબ્યુટર દેશ બન્યો છે. ૧૦ મેથી ભારતમાં આવેલા કોરોના સંક્રમણના નવા કેસ દુનિયાના કુલ કેસના ૫૦% રહ્યા છે.
એનો મતલબ એ થયો કે દુનિયામાં આવી રહેલા કુલ કેસમાંથી ભારતમાં નોંધાતા કેસ સૌથી વધુ છે. પાછલા ત્રણ દિવસના આંકડા પર નજર કરીએ તો દુનિયામાં થઈ રહેલા કુલ મોતમાંથી એક તૃતિયાંસ મૃત્યુ ભારતમાં થયા છે. કોરોના સંક્રમણના લેટેસ્ટ ડેટા મુજબ, ભારત આ સમયે દુનિયામાં કોરોના સંક્રમણ અને તેનાથી થનારા મોતના મામલે પહેલા નંબરે છે.
કોરોના સંક્રમણથી પ્રભાવિત દેશોમાં બ્રાઝિલ આ સમયે બીજા નંબર પર છે, જ્યાં પાછલા ૨૪ કલાકમાં ૨૫,૨૦૦ નવા કેસ નોંધાયા છે. જ્યારે ૨૪ કલાક દરમિયાન અમેરિકામાં ૨૨,૨૬૧ કેસ નોંધાયા છે, જે ત્રીજા નંબર પર છે. આ પછી ફ્રાન્સ અને ઈરાનનો નંબર આવે છે જ્યાં ૧૮,૦૦૦ કરતા વધારે કેસ નોંધાયા છે. સૌથી ચિંતાની વાત એ છે કે એક તરફ ભારતમાં સતત બીજા દિવસે મૃત્યુઆંક ૪૦૦૦ને પાર કરી રહ્યો છે જ્યારે દુનિયાના કોઈ અન્ય દેશમાં આ આંકડા એક હજારથી પાર નથી થઈ રહ્યા. રાજ્ય પ્રમાણે આંકડા પર નજર કરીએ તો મહારાષ્ય્ર અને કેરળમાં નવા કેસોની સંખ્યા ૪૦,૦૦૦ને પાર રહી છે જ્યારે કર્ણાટકામાં આંકડોનીચો રહ્યો છે, જ્યારે તામિલનાડુમાં ૩૦,૦૦૦ કરતા થોડા વધારે કેસ સામે આવ્યા છે.
આ ૪ રાજ્યો એવા છે કે જ્યાં રોજના કોરોનાના કેસની સંખ્યા દુનિયાના અન્ય દેશોની સરખામણીમાં વધુ છે. આંધ્રપ્રદેશ અને પશ્ચિમ બંગાળમાં ૨૪ કલાકમાં ૨૦,૦૦૦ કરતા વધારે કેસ સામે આવ્યા છે, તો યુપી અને રાજસ્થાનમાં ૧૫,૦૦૦થી ૧૮,૦૦૦ વચ્ચે નવા કેસ નોંધાયા છે. દેશમાં આ સામયે ૧૩ રાજ્યો એવા છે જ્યાં ૧૦,૦૦૦ કરતા વધારે નવા કેસ સામે આવી રહ્યા છે, તો ૫ રાજ્યો એવા છે
જ્યાં ૫,૦૦૦થી ૧૦,૦૦૦ વચ્ચે કેસ આવી રહ્યા છે. આ સિવાય ૬ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશ એવા છે જ્યાં ૧,૦૦૦થી ૫,૦૦૦ વચ્ચે નવા કેસ સામે આવે છે. ૧૨ રાજ્યો એવા છે કે જ્યાં બુધવારે એક દિવસમાં કોરોનાના કારણે ૧૦૦થી વધારે લોકોના મોત થાય છે. મહારાષ્ટ્રમાં પાછલા ૨૪ કલાકમાં ૮૧૬ લોકોના મોત થઈ ગયા છે.