દોઢ વર્ષથી ૨.૬૦ અબજ રૂપિયા બેંક ખાતામાં ધૂળ ખાય છે
નવીદિલ્હી: કેન્દ્ર અને રાજ્ય સરકાર ભલે ડીજીટલ પેમેન્ટ પર ભાર મૂકતી હોય. પરંતુ માત્ર ગ્રામપંચાયતમાં ૧૫ માં નાણાંપંચની ગ્રાન્ટનું ચુકવણું ડીજીટલ પેમેન્ટથી થઈ શકે તે માટે તંત્ર દોઢ વર્ષથી કામ પૂર્ણ કરી શક્યું નથી. જેના કારણે બનાસકાંઠા જીલ્લામાં જ માત્ર ૧૫માં નાણાંપંચના અધધધ બે અબજ સાઈઠ કરોડથી વધુની રકમ છેલ્લા દોઢ વર્ષથી બેન્કમાં નાણાંરૂપી મૃગજળ બની છે.
કેન્દ્ર સરકાર ગ્રામ પંચાયતના વિકાસના કામો માટે દર વર્ષે નાણાપંચની ફાળવણી કરે છે. જે ફાળવણી અંતર્ગત ગામ વિકાસમાં કામ માટે રકમ ગ્રામપંચાયતના એકાઉન્ટમાં જમા થાય છે. ૧૫મા નાણાપંચની જાેગવાઈ અંતર્ગત બનાસકાંઠા જિલ્લા સહિત રાજ્યભરની ગ્રામ પંચાયતોમાં ૧૫મા નાણાપંચના નાણાં જમા થયાને દોઢ વર્ષ જેટલો લાંબો સમય થઈ ગયો છે. પરંતુ આ નાણાં કઈ રીતે ઉપયોગમાં લેવા અને તેનું ડીઝીટલ પેમેન્ટ કઈ રીતે કરવું તે ગાઈડલાઈન તંત્ર દ્વારા આપવામાં આવી નથી.
જેના કારણે છેલ્લા દોઢ વર્ષથી ગ્રામપંચાયતના વિકાસના કામો ખોરંભે ચડ્યા છે. સરપંચો સામે ગામલોકો અનેક સવાલ કરે છે. પરંતુ જ્યારે ગાઈડલાઈન ન મળતાં કામ કઈ રીતે કરવું તે સૌથી મોટો સવાલ છે. ૧૫માં નાણાંપંચના નાણાં ગ્રામપંચાયત બેંક એકાઉન્ટમાં જ છે. પરંતુ તેનો ઉપયોગ સરપંચ અને સ્થાનિક પંચાયત કરી શકતી નથી. જેના કારણે બનાસકાંઠા જિલ્લા સહિત ગુજરાતના તમામ સરપંચો મોટી હાલાકી વેઠી રહ્યાં છે.
આ અંગે સરપંચ એસોસિએશનના પ્રમુખ ભરતભાઈ ધૂંખે જણાવ્યું હતું કે દોઢ વર્ષથી સરપંચ હાલાકી ભોગવી રહ્યા છે. ગામ વિકાસના કામ થતા નથી. બેંકમાં રહેલા નાણાંપંચના નાણાં છેલ્લા દોઢ વર્ષથી ઉપયોગમાં આવતા નથી. ગામમાં રસ્તા પાણી અને સફાઈ જેવા કામ થયા નથી. તંત્ર દ્વારા ગાઈડલાઈન ન આપતા સરપંચોની પ્રતિષ્ઠા ખરડાઈ છે.જ્યારે સરપંચ આગેવાન અને જાેરપુરા ગામના સરપંચ પ્રકાશ ઠાકોરે જણાવ્યું હતું કે દોઢ વર્ષથી ૧૫મા નાણાંપંચના નાણાં શોભના ગાંઠિયા સમાન બન્યા છે. નાણાં બેંકમાં છે પરંતુ ગાઈડલાઈન દોઢ વર્ષે પણ તૈયાર થઈ નથી. જેથી ગુજરાત રાજ્યના સરપંચોની મુશ્કેલીનો પાર નથી.
ડીજીટલ પેમેન્ટની કાર્યવાહી ક્યાં સુધી થઈ છે ? તે મામલે જીલ્લા વિકાસ અધિકારી અજય દહીયાનું કહેવું છે કે કેન્દ્ર સરકારની ગાઈડલાઈન મુજબ ૧૫મા નાણાંપંચનું તમામ પેમેન્ટ ડીજીટલ પ્રક્રિયાથી કરવાનું છે. જે માટે ડીઝીટલ સિગ્નેચર અને પાસવર્ડ કી જનરેટ કરવાના હોય છે. તે જનરેટ થઈ ગયા છે. નાણાંપંચના ત્રણ હપ્તા ગ્રામપંચાયતના એકાઉન્ટમાં જમા થઈ ગયા છે. જે વડી કચેરીએથી હુકમ મળતાં જ ગામ વિકાસના કામ માટે ઉપયોગમાં લઈ શકાશે.ગ્રામ પંચાયતોનું નાણાંકીય વખત ડીજીટલાઇઝેશન કરવાની વચ્ચે ગામવિકાસના કામો રઝળી પડ્યા છે. દોઢ વર્ષ જેટલો લાંબો સમય થઈ ગયો હોવા છતાં
હજુ તંત્ર ડિજીટલ પેમેન્ટ કઈ રીતે કરવું તે નક્કી કરી શક્યું નથી. જેના કારણે માત્ર બનાસકાંઠા જિલ્લો પરંતુ રાજ્યની તમામ ગ્રામ પંચાયત, તાલુકા પંચાયત અને જીલ્લા પંચાયતમાં વિકાસ કામ માટે નાણાં હોવા છતાં કામ થઈ શકતા નથી.સરકારી નાણાં માત્ર બેંક એકાઉન્ટમાં જ રહી ગામ વિકાસ કરતા હોય તે પ્રકારની બાબત સામે આવી છે. જે વડાપ્રધાનના ડીજીટલ ઇન્ડિયાના સ્વપ્ન સામે અનેક સવાલો ઊભા કરે છે.