દોષિતોને ફાંસીમાં થતા વિલંબથી નિર્ભયાના માતા રડી પડ્યા
નવીદિલ્હી, નિર્ભયાના માતાએ નિર્ભયા ગેંગરેપ અને હત્યા કેસના ચારેય દોષિતોને ફાંસી આપવામાં થઈ રહેલા વિલંબ પર નિરાશા વ્યક્ત કરી છે. નિર્ભયાના માતા આશાદેવીએ કહ્યું કે જે લોકો ૨૦૧૨માં આ ઘટના બાદ મહિલા સુરક્ષાને લઈને નારા લગાવી રહ્યાં હતાં આજે તે જ લોકો તેમની પુત્રીના મોત સાથે રમત કરી રહ્યાં છે. નિર્ભયાના માતાએ પીએમ મોદીને અપીલ કરી છે કે તેઓ ચારેય દોષિતોને જેમ બને તેમ જલદી ફાંસીની સજા અપાવે.
નિર્ભયાના માતાએ કહ્યું કે હવે હું જરૂર કહેવા માંગીશ કે જ્યારે ૨૦૧૨માં ઘટના ઘટી તો આ જ લોકોએ હાથમાં તિરંગો લીધો, કાળી પટ્ટી બાંદી અને મહિલાઓની સુરક્ષા માટે ખુબ રેલીઓ કરી, ખુબ નારા લગાવ્યાં. પરંતુ આજે આ જ લોકો તે બાળકીના મોત સાથે રમત રમી રહ્યાં છે. કોઈ કહે છે કે તમે રોકી, કોઈ કહે છે કે અમને પોલીસ આપી દો, હું બે દિવસમાં કરી બતાવીશ.
તેમણે કહ્યું કે હું હવે જરૂર કહેવા માંગીશ કે આ લોકો પોતાના ફાયદો માટે તેમની ફાંસી રોકી રહ્યાં છે અને અમને આ બધા વચ્ચે મોહરા બનાવ્યાં. આ બંને લોકો વચ્ચે હું પિસાઈ રહી છું. હું એમ કહેવા માંગુ છું…ખાસ કરીને વડાપ્રધાનજીને કે તમે ૨૦૧૪માં જ કહ્યું હતું કે અબ બહોત હુઆ નારી પર વાર, અબ કી બાર મોદી સરકાર.નિર્ભયાના માતાએ કહ્યું કે હું તમને હાથ જોડીને કહેવા માંગુ છું કે જે પ્રકારે તમે ફરીથી સરકારમાં આવ્યાં છો, જે રીતે તમે હજારો કામ કર્યાં ત્રિપલ તલાક હટાવ્યાં, હવે કાયદામાં સંશોધન કરો કારણ કે કાયદો બનાવવાથી કઈ થતું નથી. હું તમને હાથ જોડીને કહેવા માંગુ છું કે બાળકીના મોત સાથે મજાક ન થવા દો અને તે ચારેય દોષિતોને ૨૨મી તારીખે જ ફાંસી પર લટકાવો અને ઉદાહરણ રજુ કરી દો.