દો મઈ દીદી ગઈ, ભાજપ આઈઃ શિવરાજસિંહ ચૌહાણ
બંગાળમાં ચારે તરફ ભ્રષ્ટાચારની બોલબાલા-ચૂંટણી પ્રચાર માટે બંગાળ પહોંચેલા મધ્યપ્રદેશના મુખ્યમંત્રી શિવરાજસિંહ ચૌહાણે દક્ષિણેશ્વર કાલી મંદિરમાં દર્શન કર્યા
કોલકત્તા, પશ્ચિમ બંગાળમાં વિધાનસભા ચૂંટણીની તારીખોની જાહેરાત થયા બાદ પાર્ટીઓએ ચૂંટણી પ્રચારમાં તેજી લાવી દીદી છે. આ કડીમાં ભાજપ તરફથી મધ્યપ્રદેશના મુખ્યમંત્રી શિવરાજ સિંહ ચૌહાણ પણ પશ્ચિમ બંગાળમાં પ્રચાર કરવા પહોંચ્યા છે. આ દરમિયાન તેમણે બંગાળમાં નારો આપ્યો, ‘દો મઈ દીદી ગઈ, ભાજપા આઈ.’
ચૂંટણી પ્રચાર કરવા પહોંચેલા શિવરાજ સિંહે દક્ષિણેશ્વર કાલી મંદિરમાં દર્શન કર્યા. તેમણે કહ્યુ કે, પહેલા તો હું કાલી માતાને પ્રણામ કરુ છું. માંના દર્શન કર્યા બાદ મારૂ જીવન ધન્ય થઈ ગયું છે. કાલી મૈયાની કૃપા દેશ પર બની રહે. ત્યારબાદ તેમણે કહ્યું કે, જ્યાં સુધી ચૂંટણીનો સવાલ છે તો બંગાળમાં પરિવર્તનની લહેર ચાલી રહી છે.
ટીએમસીની હિંસા, ભ્રષ્ટાચાર, અત્યાચાર, અન્યાય અને વિશેષ કરીને કેન્દ્રની યોજનાઓનો લાભ ન આપવાથી અહીંની જનતા પરેશાન છે. તેમણે કહ્યુ કે, અમે પૂછી રહ્યા છીએ કે પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિના ૬૦૦૦ રૂપિયા કિસાનને મળી જાત તો દીદીનું શું બગડી જવાનું હતું.
મમતા જીએ આયુષ્માન ભારતનો લાભ આપ્યો નથી. તેમણે કહ્યું કે, ગરીબ ભાઈઓ અને બહેનો માટે જે રાશન આવે છે તે રાશન પણ ટીએમસીના લોકો ખાય જાય છે. તિરપાલ આવે છે તો તિરપાલ પણ ખાય જાય છે. તેમણે કહ્યું કે, બંગાળમાં સરસ્વતી પૂજાનો વિરોધ, રામ જન્મભૂમિને લઈને કર્ફ્યૂ અને ફાયરિંગ હવે થશે નહીં.
મમતા પર નિશાન સાધતા તેમણે કહ્યું કે, બંગાળમાં ચારે તરફ ભ્રષ્ટાચારની બોલબાલા છે. બંગાળની ભૂમિ સૌથી પવિત્ર ભૂમિ છે. અહીં રામકૃષ્ણ પરમહંસ, સ્વામી વિવેકાનંદ, રવિન્દ્રનાથ ટાગોર જેવા ચિંતક, વિચારક, ક્રાંતિકારી પેદા થયા. આ ધરતી પ્રત્યે ખરેખર હ્દય શ્રદ્ધાથી ભરાય જાય છે.
પરંતુ ટીએમસીએ આ ભૂમિને હિંસાની આગમાં સામેલ કરી દીધી. તેમણે કહ્યું કે, આ ધરતીને પહેલા કોંગ્રેસે બરબાદ કરી પછી ટીએમસીએ. હવે બંગાળમાં પરિવર્તનની લહેર ચાલી રહી છે. ચોક્કસપણે ભારતીય જનતા પાર્ટી ચૂંટણી જીતશે. ટીએમસીનું નામ ‘તોડો, મારો, કાપો’ થઈ ગયું છે.
તેમણે કહ્યું કે, રેલીઓમાં ગાડીઓ તોડવામાં આવી રહી છે, કાર્યકર્તાઓને મારવામાં આવે છે. ભારતીય જનતા પાર્ટીના ૧૩૦થી વધુ કાર્યકર્તાઓએ બલિદાન આપ્યુ છે. તેમનું બલિદાન વ્યર્થ જશે નહીં. પશ્ચિમ બંગાળના હાવડામાં પરિવર્તન યાત્રામાં સામેલ થવા આવેલા શિવરાજ સિંહે મમતા બેનર્જી પર તુષ્ટિકરણનો આરોપ લગાવ્યો અને કહ્યું કે, અહીં પર હિન્દુઓ પર અત્યાચારની અતિ થઈ ગઈ છે. ભાજપ હંમેશા ટીએમસી પર તુષ્ટિકરણનો આરોપ લગાવતું રહ્યું છે.