Western Times News

Gujarati News

NRI છોકરી સાથે દીકરાના લગ્ન કરાવવા મા-બાપ દહેજ આપવા રાજી

અમદાવાદ, અરેન્જ મેરેજ કરવાના હોય એટલે છોકરા કે છોકરીના ઘર-પરિવાર, બેકગ્રાઉન્ડ વિશે પૂરતી તપાસ કર્યા પછી જ વાત આગળ વધારવામાં આવે છે.

છોકરાને ખાસ કરીને ઘર, જાેબ, સેલરી વિશે વધુ સવાલ કરવામાં આવે છે. જાેકે, ૪૨ ગામ પાટીદાર સમાજ’ની કોઈ છોકરીને પરણવા માગતા યુવકોએ વધુ એક સવાલનો જવાબ આપવો પડે છે. “શું તમે કે તમારા કોઈ સંબંધીઓ યુએસ અથવા કેનેડામાં રહે છે?” જાે જવાબ ‘ના’ હોય તો સગપણ થવાની શક્યતા નહીંવત્‌ હોય છે.

છોકરા-છોકરીઓના ગુણોત્તરમાં ભારે તફાવત અને વિદેશમાં વસેલો જીવનસાથી મેળવવાની મહત્વાકાંક્ષાને કારણે પાટીદાર સમાજની પેટાજ્ઞાતિમાં નવો ચીલો ચીતરાયો છે.

ગાંધીનગર અને મહેસાણા જિલ્લાના ૪૨ ગામોમાં વસતા પાટીદાર સમાજના લોકો લગ્ન માટે બે નવા ટ્રેન્ડને અનુસરી રહ્યા છે. આ ગામોની યુવતીઓ NRI સ્ટેટસ હોય તેવા યુવક સાથે લગ્ન કરવાનું પસંદ કરે છે, આટલુ જ નહીં, છોકરાઓ પણ વિદેશમાં સ્થાયી થયેલી છોકરી શોધે છે અને તેના માટે છોકરાઓ દહેજ પણ ચૂકવવા તૈયાર હોય છે.

સામાન્યપણે છોકરાના પરિવારના લોકો પાસેથી છોકરી ત્યાં સેટ થઈ તેની પાછળનો ખર્ચ લેવામાં આવતો હોય છે. આવું જ એક ગામ ડીંગુચા છે, જે ગાંધીનગરના કલોલ તાલુકામાં આવેલું છે. આ ગામ છેલ્લા થોડા દિવસોથી ચર્ચામાં છે કારણકે અહીંનો એક પરિવાર ગેરકાયદેસર રીતે બોર્ડર ક્રોસ કરીને કેનેડાથી અમેરિકા જઈ રહ્યો હતો.

આ દરમિયાન ઠંડીમાં થીજી જવાને કારણે પરિવારના ચાર સભ્યોના મોત થયા હતા. ડીંગુચાના સ્થાનિક ભાવિન પટેલે કહ્યું, “અમારા સમાજમાં એવું છે કે, જાે કોઈ છોકરો યુએસ ના ગયો હોય કે તેના કોઈ સગા-સંબંધી વિદેશ ના રહેતા હોય તો તેના માટે યોગ્ય કન્યા મળવી મુશ્કેલ થઈ જાય છે.

એવા ઘણાં યુવકો છે જે આજે પણ કુંવારા અને તેનું કારણ છે કે તેમની પાસે વિદેશમાં જઈને વસવાનો કોઈ વિકલ્પ નહોતો. ગેરકાયદેસર રીતે યુએસ જઈને વસવાની યુવકોને ઘેલછાનું એક કારણ આ પણ છે. ૪૨ ગામ પાટીદાર સમાજના સભ્યોના કહેવા અનુસાર, યુએસ કે કેનેડામાં વસતા  NRI દીકરા માટે તેના મા-બાપ પણ એવી જ યુવતી શોધતાં હોય છે

જે પહેલાથી યુએસ કે કેનેડામાં રહેતી હોય. અમે અમારા સમાજમાં જ લગ્ન કરવાનું પસંદ કરીએ છીએ પરંતુ છોકરીઓની સંખ્યા ઓછી હોવાને કારણે મુશ્કેલી થાય છે.

ઉપરાંત વિદેશમાં રહેતા છોકરાને ત્યાં જ રહેતી જીવનસાથી જાેઈએ છે, જેનો અર્થ એ થાય છે કે, છોકરીના પરિવારે તેને ગેરકાયદેસર રીતે વિદેશ મોકલવા જે ખર્ચ કર્યો હતો તે દહેજ રૂપે તેઓ (છોકરાનો પરિવાર) ચૂકવવા તૈયાર છે. આ રકમ ૧૫ લાખથી ૩૦ લાખની વચ્ચે હોઈ શકે છે, તેમ મહેસાણા જિલ્લાના કડી તાલુકાના કરજીસણ ગામમાં રહેતા નીલમ પટેલે જણાવ્યું. SSS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.