દ્વારકા જિલ્લામાં હાર્ટ એટેકથી વધુ એક જિંદગી થંભી ગઇ
૪૫ વર્ષીય પુરુષના મોતથી પરિવારજનો શોકમગ્ન
૧૦૮ ઇમરજન્સીના આંકડા મુજબ, રાજ્યમાં દર સાત મિનિટે એક વ્યક્તિ હૃદયરોગનો ભોગ બની રહ્યો છે
અમદાવાદ, રાજ્યમાં નાની વયના લોકોમાં હાર્ટ એટેકનું પ્રમાણ વધી રહ્યું છે. કોરોના બાદ હાર્ટ એટેક આવવાના બનાવો ચોંકાવનારી રીતે વધી રહ્યા છે. જો કે મેડિકલ સાયન્સ કે આરોગ્ય વિભાગ હાર્ટ એટેક વધવાને અને કોરોના સાથે સાંકળતું નથી તેમ છતાં એ હકિકત છે કે કોરોના કાળ પછી હૃદય સંબંધી બીમારીઓ પણ વધી છે. દ્વારકા જિલ્લામાં હાર્ટ એટેકથી વધુ એક જિંદગી થંભી ગઇ હતી.
લલુકા ગામના ૪૫ વર્ષીય પુરુષ ને અચાનક છાતીમાં દુખાવા સાથે હાર્ટ એટેક આવતા મૃત્યુ નીપજ્યું હતું. નરેન્દ્ર કેશવગર ગોસાઈ નામના ૪૫ વર્ષીય વ્યકિતનું હાર્ટ એટેકથી મોત થતાં પરિવારજનો શોકમગ્ન બની ગયા હતા. ૧૦૮ ઇમરજન્સીના આંકડા મુજબ, રાજ્યમાં દર સાત મિનિટે એક વ્યક્તિ હૃદયરોગનો ભોગ બની રહ્યો છે. વર્ષ ૨૦૨૩માં રાજ્યમાં હૃદયરોગના કુલ મળીને ૭૨૫૭૩ કેસો નોંધાયા હતાં.
ચિંતાની વાત એછેકે, અમદાવાદ જેવી મેટ્રોસિટીમાં હૃદયરોગના કેસો વધી રહ્યા છે. ગુજરાતમાં હૃદયરોગીઓ વધી રહ્યા છે. હાલ યુવાનો હાર્ટએકેટનો ભોગ બની રહ્યા છે ત્યારે એવા ચોંકાવનારા આંકડા સામે આવ્યા છેકે, ગુજરાતમાં કેસોની દ્રષ્ટિએ અમદાવાદમાં સૌથી વધુ હૃદયરોગના કેસો નોઁધાયા છે. વર્ષ ૨૦૨૩માં અમદાવાદમાં કુલ ૨૧,૪૯૬ હૃદયરોગના કેસો નોંધાયા છે. અમદાવાદમાં હૃદયરોગના દર્દીઓમાં ૨૮ ટકાનો વધારો જોવા મળ્યો છે.
આ તરફ, સુરતમાં ૫૪૦૮, રાજકોટમાં ૪૯૧૦, ભાવનગરમાં ૩૭૩૯ અને વડોદરામાં ૩૬૧૮ કેસો નોંધાયા છે. ટકાવારી દ્રષ્ટિએ જોઇએ તો, સુરતમાં ૩૧ ટકા, રાજકોટમાં ૪૨ ટકા, ભાવનગરમાં ૨૧ ટકા અને વડોદરામાં ૨૮ ટકાનો વધારો જોવા મળ્યો છે. એકસપર્ટનું કહેવું છે કે, લોકોની જીવનશૈલી બદલાઇ છે. આ ઉપરાંત ફાસ્ટફુડનું ચલણ વધ્યુ છે. સાથે સાથે માનસિક તણાવ સાથેની લાઇફસ્ટાઇલ પણ વધતા હૃદયરોગ માટે જવાબદાર પરિબળ છે.
યુવાનો હાર્ટએકેટનો ભોગ બની રહ્યા છે ત્યારે હવે લોકોમાં હૃદય ચેકઅપને લઇને જાગૃતિ વધી છે. લોકો સામે ચાલીને નિયમિત ચેકઅપ કરાવતા થયા છે. ડોક્ટરોની સલાહ લેતા થયા છે જે એક સારી નિશાની છે. ૧૦૮ ઇમરજન્સીમાં વર્ષ ૨૦૧૭માં હૃદયરોગને લઇને ૫૨,૪૫૩ કોલ્સ આવ્યા હતાં. જયારે વર્ષ ૨૦૧૮માં કોલ્સ વધીને ૫૩,૭૦૦ થયા હતાં. વર્ષ ૨૦૧૯માં ૬૩,૬૨૮ કેસો, વર્ષ ૨૦૨૦માં ૪૪,૭૯૭, વર્ષ ૨૦૨૧માં ૪૨,૫૫૫ અને વર્ષ ૨૦૨૨માં ૫૬,૭૭૭ કોલ્સ આવ્યા હતાં. વર્ષ ૨૦૨૩માં હૃદયરોગ સબંધિત બિમારીને લઇને કુલ મળીને ૭૨,૫૭૩ કોલ્સ આવ્યા હતાં. આમ, ગુજરાતમાં હૃદયરોગની બિમારીમાં વધારો થઇ રહ્યો છે.ss1