Western Times News

Gujarati News

દ્વિ-દિવસીય “જાહેર વિતરણ વ્યવસ્થા સુધારણા અને નવી પહેલ” વિષયક રાષ્ટ્રિય પરિષદ ખુલ્લી મૂકાઇ

રાજપીપલા: ભારત સરકારના અન્ન્ અને  નાગરિક પુરવઠા વિભાગ તેમજ  ભારતમાં જાહેર વિતરણ વ્યવસ્થા વધુ સુદ્રઢ બનાવવામાં જર્મની સરકારની સહયોગી સંસ્થા GIZ ના સંયુકત ઉપક્રમે નર્મદા જિલ્લામાં સ્ટેચ્યુ ઓફ યુનિટી-ટેન્ટ સીટી નંબર-૨ ખાતે દેશના તમામ રાજયો અને કેન્દ્રશાસિત પ્રદેશના અન્ન અને નાગરિક પુરવઠા વિભાગના સચિવશ્રી, નિયામકશ્રીઓ અને વરિષ્ડ અધિકારીઓની “જાહેર વિતરણ વ્યવસ્થા સુધારણા અને નવી પહેલ” વિષય પર આજથી યોજાયેલી દ્વિ-દિવસીય રાષ્ટ્રિય પરિષદને કેન્દ્રિય અન્ન અને નાગરિક પુરવઠા સચિવશ્રી રવિકાંન્ત દ્વારા ખુલ્લી મૂકાઇ હતી.

કેવડીયાના આંગણે આજથી યોજાયેલી આ રાષ્ટ્રિય પરિષદમાં કેન્દ્રિય અન્ન અને નાગરિક પુરવઠા વિભાગના સંયુકત સચિવશ્રી એસ.જગન્નાથન, સંયુકત સચિવશ્રી પ્રમોદ તિવારી, આર્થિક સલાહકાર શ્રીમતી મનિષા સેન શર્મા અને જર્મનીની GIZ સંસ્થાના પ્રોજેક્ટ ડાયરેકટરશ્રી ગેરીટ કોલીટ્ઝ, ગુજરાતના અન્ન અને નાગરિક પુરવઠા  વિભાગના સચિવશ્રી મોહમંદ શાહીદ વગેરે પણ તેમાં જોડાયા હતા.

પ્રારંભમાં ગુજરાતના અન્ન અને નાગરિક પુરવઠાના સચિવશ્રી મોહમંદ શાહીદે તેમના સ્વાગત પ્રવચનમાં સૌને આવકાર્યા હતા. કેન્દ્રિય સંયુકત સચિવશ્રી એસ. જગન્નાથને તેમના પ્રાસંગિક પ્રવચનમાં આ રાષ્ટ્રીય પરિષદનો હેતુ સમજાવ્યો હતો, જયારે કેન્દ્રિય સચિવશ્રી રવિકાન્તે પણ તેમના ઉદઘાટન પ્રવચનમાં આ રાષ્ટ્રિય પરિષદનું મહત્વ સમજાવ્યું હતું.

કેવડીયા કોલોની ટેન્ટ સીટી ખાતે પ્રારંભાયેલી ઉકત દ્વિ-દિવસીય રાષ્ટ્રિય પરિષદમાં ગુજરાત રાજ્ય અન્ન અને નાગરિક પુરવઠા વિભાગ દ્વારા કામગીરીના અનુભવોનું નિદર્શન કરવામાં આવ્યું હતું. આ ઉપરાંત વિવિધ સત્રોમાં તેલંગાણા, કેરળ, ઉત્તર પ્રદેશ, મધ્ય પ્રદેશ, ત્રિપુરા, પશ્ચિમ બંગાળ જેવા રાજ્યોના સચિવશ્રીઓ અને ઉચ્ચ અધિકારીશ્રીઓ દ્વારા તેમના રાજ્યોમાં વાજબી ભાવની દુકાનો પર કેશલેસ ટ્રાન્ઝેક્શનની વ્યવસ્થા,ચોખા જેવા અનાજોનું પોષણયુક્ત ફોર્ટિફિકેશન,પીડીએસને લગતા રાજ્યોના ડેટાનું એનાલિસિસ,ભૂતિયા રેશનકાર્ડસની શોધ અને નાબુદી તેમજ અન્ન સુરક્ષા છત્ર હેઠળ ખરેખર પાત્રતા ધરાવતા જરૂરિયાતમંદોનો સમાવેશ જેવી બાબતોમાં એકબીજાના અનુભવો અને સારી પરંપરાઓના વિનિયોગનો વિચાર-વિમર્શ હાથ ધરવામાં આવ્યો હતો.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.