દ. આફ્રિકામાં મહિલાએ એક સાથે ૧૦ શિશુને જન્મ આપ્યો
ડરબન: દક્ષિણ આફ્રિકામાં એક મહિલાએ ૧૦ બાળકોને જન્મ આપ્યો છે. જાે ડૉક્ટરો આ વાતની પુષ્ટિ કરશે તો આ વિશ્વ રેકોર્ડ બનશે.
હજી એક મહિના પહેલા જ માલીની એક મહિલાએ મોરોક્કોમાં ૯ બાળકોને જન્મ આપ્યો હતો. કહેવાઈ રહ્યું છે કે, દક્ષિણ આફ્રિકાની મહિલા ગોસિઅમે થમારા સિતોલે (૩૭ વર્ષ)એ ૧૦ બાળકોને જન્મ આપ્યો છે. જેમાંથી ૭ પુત્ર અને ૩ પુત્રી છે.
મહિલાના પતિ ટેબોગો ત્સોતેત્સીએ જણાવ્યું કે, આ બાળકોનો જન્મ ૭ જૂનના રોજ સિઝેરિયનથી પ્રિટોરિયાની એક હોસ્પિટલમાં થયો છે.
ડૉક્ટરોએ કથિત રીતે ટેબોગોને શરૂઆતમાં જણાવ્યું હતું કે, તેમની પત્નીના ગર્ભમાં ૬ ભ્રૂણ છે પરંતુ બાદમાં ખબર પડી કે ૮ બાળકો છે. જાેકે, જ્યારે ડિલિવરી થઈ ત્યારે બાળકોની સંખ્યા ૧૦ હતી. આ આફ્રિકન કપલના ૬ વર્ષના જાેડકાં બાળકો પહેલાથી જ છે.
ટેબોગો ત્સોતેત્સી હાલ બેરોજગાર છે. ટેબોગોએ જણાવ્યું કે, બાળકોના જન્મ બાદ તેઓ ખૂબ ભાવુક છે અને ખુશી અનુભવી રહ્યા છે.
આ ૧૦ બાળકોમાંથી ૭ દીકરા અને ૩ દીકરીઓ છે. મારી પત્ની ૭ મહિના ૭ દિવસથી ગર્ભવતી હતી. મને બહુ આનંદ થઈ રહ્યો છે અને ભાવુક છું. હાલ હું વધારે વાત કરવાની સ્થિતિમાં નથી, તેમ તેણે ઉમેર્યું.
અગાઉ આ પ્રકારની જ દુર્લભ ઘટના બની હતી. આફ્રિકાના દેશ માલીની મહિલાએ મોરક્કોમાં ૯ બાળકોને જન્મ આપ્યો હતો.
માલી સરકારે એક નિવેદનમાં જણાવ્યું હતું કે, મહિલા અને તેના તમામ બાળકો સ્વસ્થ છે. આ પહેલા માલી સરકારે ૨૫ વર્ષની હલીમા સિસ્સેને સારી દેખરેખ માટે ૩૦ માર્ચે મોરક્કો મોકલી હતી.
શરૂઆતમાં માનવામાં આવતું હતું કે, આ મહિલાના પેટમાં સાત બાળકો છે. જાેકે, તેણે નવ બાળકોને જન્મ આપ્યો હતો.
અત્યાર સુધી ૬ બાળકોને એકસાથે સફળતાપૂર્વક જન્મ આપવાની ઘટનાને દુર્લભ માનવામાં આવી હતી પરંતુ હવે આફ્રિકાની મહિલાએ ૧૦ બાળકોને જન્મ આપ્યો છે.