ધંધામાં નુકસાન જતાં દારૂડિયા પતિએ પત્ની પાસે કરી નાંખી આવી માંગણી
અમદાવાદ, શહેરના સરદારનગર વિસ્તારમાં રહેતી એક પરિણીતા પાસેથી ૧૮ લાખ રૂપિયા માગીને માર મારતાં દારૂડિયા પતિ અને સાસરિયાં વિરુદ્ધ પોલીસ ફરિયાદ નોંધાઈ છે. ધંધામાં નુકસાન જતાં પતિએ પત્ની પાસેથી ૧૮ લાખ રૂપિયા માંગ્યા હતા. રૂપિયા નહીં આપતાં પતિએ પત્નીને હેરાન પરેશાન કરવાનું શરૂ કર્યું હતું.
સરદારનગર વિસ્તારમાં રહેતાં સેજલ ગંગવાણીએ એરપોર્ટ પોલીસ સ્ટેશનમાં પતિ રવિ સહિત સાત લોકો વિરુદ્ધ ડોમેસ્ટિક વાયોલન્સ એક્ટ હેઠળ ફરિયાદ કરી છે. સેજલનાં લગ્ન વર્ષ ૧૯૯૯માં રવિ સાથે સામાજિક રીત રિવાજ મુજબ થયાં છે. લગ્ન બાદ સેજલે બે સંતાનને જન્મ આપ્યો છે. જેમાં એક પુત્ર અને એક પુત્રી છે.
ફરિયાદમાં કરેલા આક્ષેપ પ્રમાણે લગ્નના બે મહિના સુધી સેજલને સારી રીતે રાખ્યા બાદ સાસરિયાં તેને હેરાન પરેશાન કરવા લાગ્યાં હતાં. તારા બાપના ઘરેથી દહેજમાં કાંઈ લાવી નથી તેમ કહીને મહેણાં ટોણાં મારતાં હતાં, અને તેને માર પણ મારતાં હતાં. આ સિવાય બીજા બાળકના જન્મ વખતે સેજલને દવાના રૂપિયા પણ આપતા નહીં અને માનસિક ટોર્ચર કરતાં હતાં.
સેજલના પિતાએ ઘર અપાવવા માટે ૨૫,૦૦૦ રૂપિયા પતિ રવિ અને સસરાને આપ્યા હતા. જાેકે તે રૂપિયા બંને જણાએ વાપરી દીધા હતા. વર્ષ ૨૦૦૪માં સેજલ બીજા ઘરમાં બાળકોને લઇને રહેવા માટે જતી રહી હતી. જાેકે કોઈ સામાજિક પ્રસંગ હોવાથી તે સાસરીમાં આવતી ત્યારે સાસરિયાં તેની સાથે મારઝૂડ કરીને બબાલ કરતાં હતાં.
પતિના અનેક મહિલા સાથે રિલેશન હોવાનું સામે આવ્યું છે. રવિને ધંધામાં નુકસાન જતાં તેણે સેજલ પાસે ૧૮ લાખ રૂપિયા પિતાના ઘરેથી લાવવા માટે કહ્યું હતું. જાેકે તે રૂપિયા નહીં લાવતાં રવિ દરરોજ દારૂ પીને આવતો હતો અને સેજલને માર મારતો હતો. એરપોર્ટ પોલીસે રવિ તેમજ તેનાં પિતા, માતા, સહિત ઘરનાં સાત સભ્ય વિરુદ્ધ ગુનો દાખલ કરીને વ ધુ તપાસ હાથ ધરી છે.