ધંધામાં મંદી આવતા રાજકોટનો કોન્ટ્રાકટર બુટલેગર બન્યો
શામળાજી પોલીસે SX4 કારમાંથી 63 બ્રાન્ડેડ બોટલ સાથે દબોચ્યો.
ભિલોડા,ગુજરાતમાં વિદેશી દારૂના ધંધામાં રહેલી મબલખ કમાણીના પગલે અનેક લોકો બુટલેગર બની દારૂના ધંધામાં જંપલાવી રહ્યા છે લગ્નપ્રસંગમાં અનેક ઠેકાણે વરરાજા અને જાનૈયા છાંટોપાણી કરતા હોવાથી લગ્નસરામાં દારૂની ડિમાન્ડમાં વધારો થતો હોય છે ત્યારે રાજકોટમાં કોન્ટ્રાકટરના વ્યવસાય સાથે સંકળાયેલ યુવક તેની કારમાં રાજસ્થાનથી વિદેશી દારૂની ખેપ મારતો શામળાજી પોલીસે દબોચી લઇ કારમાંથી 30 હજારનો વિદેશી દારૂ ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.
રાજકોટ કોઠારીયા રોડ ગૌશાળાની સામે શ્રી ગેલકૃપા સ્વાતીપાર્કની શેરીમાં રહેતો અને કોન્ટ્રાકટર તરીકે વ્યવસાય કરતો દિપક સામજી રામાણી નામનો શખ્સને ધંધામાં નુકશાન જતા અને મંદીનો માહોલ ચાલતો હોવાથી લગ્નસરાની મૌસમમાં વિદેશી દારૂની ડિમાન્ડ વધતાં દારૂના ધંધામાં જંપલાવાનું નક્કી કરી રાજકોટથી તેની કાર લઇ રાજ્સ્થાનના વીંછીવાડા થી ખેરવાડા સુધી જુદા જુદા ઠેકા પરથી કારની વચ્ચે બનાવેલ ગુપ્ત ખાનામાં દારૂની બોટલ સંતાડી રતનપુર ચેકપોસ્ટ પરથી ગુજરાતમાં પ્રવેશતા શામળાજી પોલીસે દબોચી લીધો હતો.
શામળાજી પોલીસે દિપક રામાણીની કારને અટકાવી તલાસી લેતા કારના ગુપ્તખાના માંથી વિદેશી દારૂની 63 બોટલ કીં.રૂ.30150/- નો જથ્થો મળી આવતા પોલીસે દિપક સામજી રામાણી સામે પ્રોહિબિશન એક્ટ હેઠળ ગુન્હો નોંધી 2.32 લાખથી વધુનો મુદ્દામાલ જપ્ત કરી બુટલેગરને જેલના સળિયા પાછળ ધકેલી દીધો હતો.
કોન્ટ્રાકટર માંથી બુટલેગર બનેલ દિપક રામાણી પોલીસના હાથે ઝડપાઇ જતા કોન્ટ્રાકટરના ધંધામાં મંદી આવતા મજબૂરીવશ બુટલેગર બનવું પડ્યું હોવાનો એકરાર કર્યો હતો જો કે તે કોન્ટ્રાકટર બનતા પહેલા અગાઉ પણ ખાનગીમાં વિદેશી દારૂ વેચાતો હોવાનું જણાવ્યું હતું જો કે બુટલેગર માંથી કોન્ટ્રાકટર બનેલ શખ્સને ધંધામાં મંદી જતા ફરીથી બુટલેગર બનવા જતા પોલીસ પકડમાં આવી જતા પસ્તાવાનો વારો આવ્યો છે.