ધંધુકાની નજીક એસટી બસની ટક્કરે પિતા-પુત્રના કરૂણ મોત
અમદાવાદ, પાલીતાણાથી કૃષ્ણનગર તરફ જતી એસટી બસ ધંધુકા નજીક રોયલ એન્ફિલ્ડ સાથે ટકરાતાં બહુ ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. કૂતરાને બચાવવા જતાં બુલેટ પર જઇ રહેલા પિતા-પુત્ર એસટી બસ નીચે આવી જતાં બંનેના ઘટનાસ્થળે જ કરૂણ મોત નીપજયા હતા. આ બનાવને પગલે સમગ્ર વિસ્તારમાં ભારે ચકચાર મચી ગઇ હતી.
ખાસ કરીને પિતા-પુત્રના કરૂણ મોતને લઇ સમગ્ર પંથકમાં ભારે અરેરાટીની લાગણી પ્રસરી ગઇ હતી. આ બનાવ અંગે ધંધુકા પોલીસે વધુ તપાસ હાથ ધરી હતી. આ અંગેની વિગત એવી છે કે, બગોદરાથી ધંધુકા માર્ગ પર ફેદરા સીએનજી પેટ્રોલ પંપ નજીક કૃષ્ણનગર અમદાવાદથી સાવરકુંડલા જઇ રહેલી એસટી બસ અને રોયલ એન્ફિલ્ડ વચ્ચે ગંભીર અકસ્માત સર્જાયો હતો. બુલેટ પર અમરેલી તરફ જઇ રહેલા પિતા-પુત્ર કૂતરાને બચાવવા જતા એસટી બસના પાછલા ટાયર નીચે આવી ગયા હતા.
ઘટનાની જાણ થતાં ૧૦૮ને તેમજ પાયલોટ અશરફ ખાન પઠાણ ઇ.એમ.ટી મુકેશ મકવાણા તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી ગયા હતા. ધંધુકા પોલીસને જાણ કરતા ધંધુકા પોલીસ ઘટના સ્થળે આવી પહોંચી ગઇ હતી. ગમખ્વાર અકસ્માતમાં મૃત્યુ પામનાર બંન્ને શખ્સ પિતા-પુત્ર છે. અકસ્માત બાદ લોકોના ટોળેટોળા એકઠાં થઇ ગયા હતા. ૧૦૮ દ્વારા બંન્નેના મૃતદેહોને હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. પિતા-પુત્રના કરૂણ મોતને લઇ સમગ્ર વિસ્તારમાં ભારે અરેરાટીની લાગણી પ્રસરી ગઇ હતી.