ધંધુકા નજીક સુરતના પરિવારને નડેલો અકસ્માતઃ ૪ ના મોત
સુરતથી સાળંગપુર દર્શન કરવા માટે જતાં એક જ પરિવારને નડેલો અકસ્માત : ઉભેલી ટ્રક સાથે કાર ટકરાઈ |
(પ્રતિનિધિ) અમદાવાદ : રાજયના સુપ્રસિધ્ધ સાળંગપુર હનુમાન દાદાના સુપ્રસિધ્ધ સ્વામિનારાયણ સંચાલિત પવિત્ર યાત્રાધામમાં દેશભરમાંથી લોકો દર્શન કરવા આવે છે ગઈકાલે રાત્રે સુરતથી એક પરિવાર કારમાં સાળંગપુર દર્શન કરવા માટે આવવા નીકળ્યો હતો
ત્યારે આજે વહેલી સવારના ધંધુકા- બરવાળા રોડ પર તગડી ગામ પાસે રોડ પર ઉભેલી ટ્રકની પાછળ કાર ઘુસી જતાં સુરતના એક જ પરિવારના ચાર સભ્યોના ઘટના સ્થળ પર જ કમકમાટીભર્યાં મોત નીપજયા હતાં. જયારે એક વ્યક્તિને ગંભીર ઈજાઓ પહોંચતા તેને તાત્કાલિક હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે. આ ગમખ્વાર અકસ્માતના પગલે અન્ય વાહન ચાલકો પણ મદદે દોડી આવ્યા હતાં અને તાત્કાલિક પોલીસને જાણ કરી હતી. ઘટનાની જાણ થતાં પોલીસ અધિકારીઓ પણ સ્થળ પર આવી પહોંચ્યા હતાં અને કારના પતરા ચીરી મૃતદેહોને બહાર કાઢયા હતાં. આ અંગે પોલીસે ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે.
આ અંગેની વિગત એવી છે કે ધંધુકા નજીક આવેલા સુપ્રસિધ્ધ સાળંગપુર મંદિરમાં રોજ હજારો શ્રધ્ધાળુઓ દર્શન કરવા આવે છે. સ્વામિનારાયણ સંસ્થાન દ્વારા આ મંદિરનો વહીવટ સંભાળ્યા બાદ અન્ય સુવિધાઓ પણ ઉપલબ્ધ કરાવવામાં આવી છે જેના પરિણામે બહારગામથી આવતા પ્રવાસીઓને રહેવા સહિતની સુવિધાઓ આપવામાં આવી રહી છે.
સાળંગપુર હનુમાન મંદિર તથા સ્વામિનારાયણ મંદિરમાં સવારની મંગળા આરતીમાં હજારો શ્રધ્ધાળુઓ ભાગ લેતા હોય છે. ગઈકાલે રાત્રે સુરતથી સાળંગપુર હનુમાન દર્શન કરવા માટે એક પરિવાર કાર લઈને નીકળ્યો હતો.
કારમાં બેઠેલુ પરિવાર સવાર થતાં સુધીમાં સાળંગપુર પહોંચી જવાય તે રીતે ગાડી ચલાવી અમદાવાદ વટાવી સવારે ચાર વાગ્યાની આસપાસ ધંધુકા- બરવાળા રોડ પર પહોંચ્યા હતાં.
સાળંગપુર મંદિર ખૂબ જ નજીક હતું આ દરમિયાનમાં કોઈ કારણોસર ખામી સર્જાતા એક ટ્રકના ચાલકે પોતાની ટ્રક રસ્તાની સાઈડમાં ઉભી રાખી હતી પરંતુ અંધારાના કારણે કારના ચાલકને ટ્રક દેખાઈ ન હતી. પુરઝડપે આવતી કારના ચાલકે અચાનક જ ટ્રક દેખાતા બ્રેક મારવાનો પ્રયાસ કર્યો હતો પરંતુ કાર ફુલ સ્પીડમાં ટ્રકની પાછળ ઘુસી જતાં કારનો ખુરદો બોલી ગયો હતો જેના પરિણામે મોટો ધડાકો થયો હતો.
અવાજ થતાં જ આસપાસના લોકો દોડી આવ્યા હતા અને સ્થળ પરનું દ્રશ્ય જાતા તેઓ હેબતાઈ ગયા હતાં આ અંગે પોલીસને પણ જાણ કરવામાં આવી હતી તપાસ કરતા કારમાં બેઠેલી બે મહિલા સહિત ચાર વ્યક્તિના ઘટના સ્થળ પર જ કમકમાટી ભર્યાં મોત નીપજયા હતાં જયારે એક વ્યક્તિને ગંભીર હાલતમાં હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી. પોલીસે મૃતકોના પરિવારજનોને જાણ કરતા પરિવારજનો પણ અમદાવાદ આવવા રવાના થઈ ગયા છે. આ અંગે પોલીસે ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે.