ધંધુકા-બગોદરા રોડ પર અકસ્માત, ૪ મહિલાનાં મોત
અમદાવાદ, રાજ્યમાં સોમવારે સવારે ધંધુકા-બગોદરા રોડ પર એક ગોઝારો અકસ્માત બન્યો છે. આ અકસ્માતમાં ચાર મહિલાનાં ઘટનાસ્થળે જ મોત થયા છે. અકસ્માત એટલો ગંભીર હતો કે ઇકો કારના આગળના ભાગનો ભૂક્કો થઈ ગયો હતો. અકસ્માત બાદ ઘટનાસ્થળે પહોંચેલા ૧૦૮ના સ્ટાફે કારમાં ફસાયેલા લોકોને મહામહેનતે બહાર કાઢીને સારવાર માટે ખસેડ્યા હતા.
આ અકસ્માતમાં ચાર લોકો ગંભીર રીતે ઘાયલ થયાના સમાચાર મળી રહ્યા છે. રોડ પર ઊભી રહેલી ટ્રક પાછળ ઇકો કાર ઘૂસી જતાં આ ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. અકસ્માતના જે દ્રશ્યો સામે આવ્યા છે તેને જાેઈને જ કંપારી છૂટ જાય તેવા છે. વહેલી સવારે ચાર વાગ્યે આ અકસ્માત બન્યો હતો.
ચાર મહિલાનાં મોતઃ મળતી માહિતી પ્રમાણે અમદાવાદના ધંધુકા-બગોદરા રોડ પર આવેલા હરિપુરા પાટિયા પાસે આજે એટલે કે સોમવારે વહેલી સવારે એક ગમખ્વાર અકસ્માત થયો છે. જેમાં એક ઇકો કાર રોડ પર ઊભેલી ટ્રેક પાછળ ધડાકાભેર અથડાઈ હતી. ટ્રક પાછળ ઇકો કારની ટક્કર એટલી જાેરદાર હતી કે કારમાં સવાર ચાર મહિલાનાં ઘટનાસ્થળે જ મોત થયા હતા.
અન્ય ચાર જેટલી વ્યક્તિને ઈજા પહોંચી હોવાનું કહેવામાં આવી રહ્યું છે. પ્રાથમિક જાણકારી પ્રમાણે ઇકો કારની ઝડપ ખૂબ વધારે હતી અને તે રોડ પર ઊભી રહેલી ટ્રક સાથે ધડાકાભેર અથડાઈ હતી.
વહેલી સવારે બનેલા અકસ્માત બાદ લોકો એકઠા થઈ ગયા હતા. જે બાદમાં ૧૦૮ને જાણ કરવામાં આવી હતી. અકસ્માતની જાણ થતાં ધંધુકા પોલીસ ઘટનાસ્થળે પહોંચી હતી અને મૃતદેહોને પોસ્ટ મોર્ટમ માટે ખસેડવા સહિતની કામગીરી શરૂ કરાવી હતી. મૃતકો અમદાવાદના હોવાનું કહેવામાં આવી રહ્યું છે.
ઉલ્લેખનીય છે કે ધંધુકા-બગોદરા રોડ પર જ ગત અઠવાડિયે એક બસ પલટી ગઈ હતી. જેમાં ૩૫થી વધારે મુસાફરોને ઈજા પહોંચી હતી. ખાનગી કંપનીની બસ સૌરાષ્ટ્ર તરફ જઈ રહી હતી ત્યારે ધંધુકા તાલુકાના ખડોળ ગામના પાટિયા પાસે પલટી મારી ગઈ હતી.SSS