ધનતેરસ સુધી સોનાનો ભાવ ૪૦,૦૦૦ સુધી પહોંચી શકે
![](https://westerntimesnews.in/wp-content/uploads/2019/07/Gold.jpg)
સિલ્વરની કિંમત ૪૮૫૦૦ પ્રતિ કિલો સુધી પહોંચે તેવી સંભાવનાઃ ૩૦ ટકા ખરીદી તો ફેસ્ટિવલ સિઝનમાં થશે |
નવી દિલ્હી, ધનતેરસના પર્વ સુધી સોનાની કિંમત ૪૦૦૦૦ રૂપિયા સુધી પહોંચી શકે છે. આવી જ રીતે ચાંદીની કિંમત ૪૮૫૦૦ સુધી પહોંચી જવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે. બજાર સાથે જોડાયેલા લોકોનુ કહેવુ છે કે ખરીદીને લઇને તેઓ આશાવાદી છે. સ્થાનિક માર્કેટમાં હાલમાં આર્થિક મંદી વચ્ચે માંગ વધારે દેખાઇ રહી નથી. પરંતુ આંતરરાષ્ટ્રીય સ્તર પર સોના અને ચાંદીમાં હાલમાં રોકાણ કરવામાં લોકો ઝડપથી આગળ આવી રહ્યા છે. જેથી બંનેની કિંમતોમાં દબાણ જોવા મળી રહ્યુ છે., તમામ લોકો જાણે છે કે ધનતેરસ્ના સમય ભારતમાં ગોલ્ડ અને સિલ્વરની ખરીદી સૌથી વધારે થાય છે. એક અંદાજ મુજબ સમગ્ર વર્ષમાં સોના અને ચાંદીની જેટલી ખરીદી થાય છે તે પૈકી ૩૦ ટકા ખરીદી એકલા ઓક્ટોબર મહિનામાં થાય છે. તહેવારની સિઝનની શરૂઆત થઇ ગઇ છે.
સોનાના આંતરરાષ્ટ્રીય ભાવની વાત કરવામાં આવે તો આંતરરાષ્ટ્રીય માર્કેટમાં કિંમત ૧૫૦૦ ડોલર પ્રતિ ઓન્સ સુધી પહોંચી ગઇ હતી. પીપી જ્વેલર્સના વાઇસ ચેરમેન પવન ગુપ્તાએ કહ્યુ છે કે સમગ્ર વિશ્વની અર્થવ્યવસ્થામાં હાલ મંદી પ્રવર્તી રહી છે. જેના કારણે શેરબજારમાં ભારે અનિશ્ચિતતા છે. આવી સ્થિતિમાં રોકાણ કરવા માટે રોકાણકારો આગળ આવી રહ્યા નથી. સોના અને ચાંદીમાં રોકાણઁ કરવામાં આવી રહ્યુ છે.
તમામ લોકો સારી રીતે જાણે છે કે ભારત પોતાના ઉપયોગ પૈકી ૯૦ ટકાથી વધારે સોનાની આયાત કરે છે. આવી સ્થિતિમાં સોનાની કિંમતમાં તેજીને રોકવાની બાબત હવે સરળ દેખાઇ રહી નથી. ધનતેરસના દિવસે સોનાની માંગમાં એકાએક તીવ્ર વધારો થનાર છે. તેના કારણે ગોલ્ડની કિંમતમાં દબાણ આવે તે સ્વાભાવિક છે. છેલ્લા દિવસોમાં આંતરરાષ્ટ્રીય માર્કેટમાં મંદી આવી હતી. જેથી સોના અને ચાંદીની કિંમતોમાં ઘટાડો થયો હતો. ધનતેરસ આડે ગણતરીના દિવસો રહ્યા છે ત્યારે સોના-ચાંદી બજારમાં માહોલ તેજીવાળો રહી શકે છે. પીપી જ્વેલર્સના વાઇસ ચેરમેન પવન ગુપ્તાનું કહેવું છે કે, સમગ્ર વિશ્વના અર્થતંત્રમાં મંદીની વાત થઇ રહી છે જેના લીધે અનિશ્ચિતતા છે.
માર્કેટ સર્વે એજન્સી વિનાયક ઇંકના પ્રમુખ વિજયસિંહના કહેવા મુજબ ગોલ્ડ અને સિલ્વરના માર્કેટમાં સૌથી વધારે અસર અમેરિકા અને ચીન વચ્ચેના ટ્રેડવોરની જાવા મળી રહી છે. આના કારણે બંને દેશોના શેર અને બોન્ડ માર્કેટમાં અનિશ્ચિતતાનો માહોલ છે. આનાથી ઇન્વેસ્ટર બોન્ડ અને શેર માર્કેટ બંનેથી ફરાર થયેલા અને ગોલ્ડ માર્કેટમાં રોકાણ કરવા માટે લોકો આગળ આવી રહ્યા છે. આની અસર સોનાની કિંમત ઉપર જોવા મળે તે નક્કી છે. અલબત્ત અર્થતંત્રમાં રહેલી મંદીની અસર પણ રહેશે. અમેરિકા સહિત ભારતના જીડીપી ગ્રોથમાં હાલમાં નરમી જોવા મળી રહી છે. આનાથી ડોલરની સરખામણીમાં રૂપિયામાં દબાણની સ્થિતિ છે. રૂપિયામાં ઘટાડો થશે તો સોનાની આયાત મોંઘી થશે.