ધનસુરામાં ૨ કલાકમાં અઢી ઇંચ વરસાદ, મોડાસા-ધનસુરા હાઈવે પર વૃક્ષો ધરાશાયી
(તસ્વીરઃ- દિલીપ પુરોહિત, બાયડ)
(પ્રતિનિધિ) બાયડ, હવામાન વિભાગની આગાહીને પગલે સમગ્ર ઉત્તર ગુજરાતમાં ભારે વરસાદ વરસી રહ્યો છે. એક તરફ નવરાત્રીનું આયોજન કરતા આયોજક તો બીજી બાજુ બાયડ વિધાનસભાની ચૂંટણીનો જંગ જામ્યો છે, ત્યારે અરવલ્લી જિલ્લામાં મેઘ મહેર યથાવત જોવા મળી રહી છે. અરવલ્લી જિલ્લામાં સવારે ૬ વાગ્યાથી સાંજે ૬ વાગ્યામાં વરસાદના આંકડાની વાત કરીએ તો ધનસુરામાં સૌથી વધારે ૨.૫ ઇંચ વરસાદ વરસ્યો છે. બાયડ ૧.૫ ઇંચ, ભિલોડા ૧.૫ ઇંચ, તેમજ મેઘરજ, માલપુર અને મોડાસામાં ૧ ઇંચ જેટલો વરસાદ વરસી ચૂક્યો છે.
અરવલ્લી જિલ્લામાં છેલ્લા બે કલાકમાં ધોધમાર વરસાદ વરસતા મોડાસા ધનસુરા હાઈવે પર વૃક્ષો ધરાશાયી થવાની ઘટનાઓ ઘટી હતી, જેને કારણે વાહન ચાલકોને હાલાકીઓનો સામનો કરવો પડ્યો હતો. ભારે વરસાદને પગલે વિજિબિલિટી નહીંવત હોવાને કારણે વાહન ચાલકોએ હેડ લાઈટ ચાલુ રાખવાનો વારા આવ્યો હતો. અરવલ્લી જિલ્લામાં છેલ્લા બે કલાક એટલે કે, સાંજે ૪ થી ૬ વાગ્યા સુધીમાં ધનસુરા તાલુકામાં ૨.૫ ઇંચ વરસાદ ખાબક્યો હતો. જ્યારે ભિલોડા તાલુકામાં પણ ૧ ઇંચ વરસાદથી ઠેર ઠેર પાણી ભરાયાના દ્રશ્યો સર્જાયા હતા.*