ધન્વતરીમાં ભારતીય નૌકાદળના ૭૧ મેડિકલ ઓફિસર- પેરા-મેડિકલ સ્ટાફ દર્દીઓની સેવામાં જોડાયા
ગુજરાત સરકાર અને DRDOના અધિકારીશ્રીઓ વચ્ચે બેઠક યોજાઈ-દર્દીઓનો રિકવરી રેટ વધારવાની વ્યૂહરચના પર વિચાર-વિમર્શ- ‘કોવીડ સાથી’ની મદદથી દર્દીને સ્વજન સાથે ઈ-મુલાકાત કરાવાશે
ગુજરાત સરકાર અને ડિફેન્સ રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ ઓર્ગેનાઈઝેશન(DRDO)ના સંયુક્ત ઉપક્રમે ગુજરાત યુનિવર્સિટી કન્વેન્શન હોલ ખાતે યુદ્ધના ધોરણે કાર્યરત કરવામાં આવેલી ધન્વંતરી કોવીડ હોસ્પિટલમાં ભારતીય નૌસેનાના ૭૧ મેડિકલ ઓફિસર અને પેરા-મેડિકલ સ્ટાફ ફરજ પર જોડાતા ધન્વન્તરી કોવીડ હોસ્પિટલની કાર્યક્ષમતામાં વધારો થયો છે.
ઉલ્લેખનીય બાબત એ છે કે ૩૦ એપ્રિલ, ૨૦૨૧ સુધીમાં ધન્વન્તરી કોવીડ હોસ્પિટલમાં અંદાજે ૫૦૦ થી વધુ દર્દીઓ ICU અને ઓક્સિજન વોર્ડમાં સારવાર હેઠળ છે. અને તબક્કાવાર વધુ દર્દીઓને સારવાર આપી શકાય તે માટે આયોજન હાથ ધરવામાં આવ્યું છે તેમ જ તે માટે જરુરી સંસાધનો અંગેનું સંકલન સઘન બનાવાયું છે.
ધન્વંતરી કોવીડ હોસ્પિટલના સંચાલન-વ્યવસ્થાપન અંગે ગુજરાત સરકાર અને DRDOના અધિકારીશ્રીઓ વચ્ચે આજે બેઠક યોજાઈ હતી, જેમાં હોસ્પિટલમાં મહત્તમ દર્દીઓને સારવાર આપવાની વ્યૂહરચના પર વિચાર-વિમર્શ કરવામાં આવ્યો હતો.
આ બેઠકમાં દાખલ કરવામાં આવેલા દર્દીના રિકવરી રેટને કઈ રીતે વધારી શકાય તે માટેના મુદ્દાઓ પર ચર્ચા કરવામાં આવી હતી.
જેમાં ઓક્સિજન તેમ જ વેન્ટીલેટરની જરુરિયાતવાળા દર્દીઓ માટે અનુસરવામાં આવતી પ્રક્રિયાઓ પર ચર્ચા-વિચારણા કરવામાં આવી હતી. આ ઉપરાંત બેઠકમાં હોસ્પિટલમાં ક્રમશ: દર્દીઓની સંખ્યા વધારવા જરુરી વ્યવસ્થાપન અંગે પણ વિમર્શ થયો હતો.
ધન્વન્તરી હોસ્પિટલમાં દર્દીને પ્રવેશથી માંડીને રજા આપવા સુધીના નિર્ધારીત પ્રોટોકોલ મુદ્દે પણ ચર્ચા થઈ.
જ્યારે દર્દી સારવાર હેઠળ હોય ત્યારે દર્દીના સ્વજનને ચિંતા હોય તે સ્વભાવિક છે, આ બાબતને ધ્યાને લઈ ‘’કોવીડ-સાથી’’ની મદદથી દર્દીને સ્વજનની સાથે વીડિયો કોલ કરવાની વ્યવસ્થા કરવા પર સહમતિ સધાઈ. હવે, ટેબ્લેટના માધ્યમથી વીડિયો કોલ કરવામાં આવશે અને દર્દી અને સ્વજન વચ્ચે ઈ-મુલાકાત કરાવાશે.