ધન્વતરી કોવીડ હોસ્પિટલમાં દર્દીઓની સેવા-સુશ્રુષામાં 104 ડોક્ટર્સ જોડાયા
ધન્વતરી કોવીડ હોસ્પિટલમાં ૩૮૦ થી વધુ દર્દીઓની થઈ રહી છે સેવા-સુશ્રુષા
હોસ્પિટલમાં દર્દીઓને ઉત્તમ સગવડ મળે તે માટે 300થી વધુ હાઉસકિપિંગ, વોર્ડબોયની નિમણૂંક કરાઈ
ગુજરાત સરકાર અને ડિફેન્સ રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ ઓર્ગેનાઈઝેશન(DRDO)ના સંયુક્ત ઉપક્રમ ગુજરાત યુનિવર્સિટી કન્વેન્શન સેન્ટર ખાતે કાર્યરત કરવામાં આવેલી ધન્વંતરી કોવીડ હોસ્પિટલમાં ૩૮૦થી વધુ દર્દીઓની ઉત્તમ સુવિધાઓ સાથે સર્વોત્તમ સારવાર થઈ રહી છે. જેમાંથી ૫૨ દર્દીઓને ઈન્સ્ટેન્સીવ કેર યુનિટમાં સારાવાર અપાઈ રહી છે.
દર્દીઓને શ્રેષ્ઠ સારવાર આપવા માટે અને દર્દીઓની હાલાકી દુર કરવા માટે ધન્વન્તરી કોવીડ હોસ્પિટલમાં કોવીડગ્રસ્ત દર્દીઓના પ્રવેશ માટે ટોકન સિસ્ટમનો આરંભ કરવામાં આવ્યો છે, જેને પ્રથમ દિવસે જ સાનુકુળ પ્રતિસાદ સાંપડ્યો છે. પ્રથમ દિવસે જ હોસ્પિટલમાં 125 દર્દીઓને ટોકન સિસ્ટમ મારફતે પ્રવેશ આપવામાં આવ્યો, જેના કારણે સુંદર વ્યવસ્થાનું નિર્માણ થયું છે. જો કે, નોંધપાત્ર બાબત એ છે કે ટોકન ફાળવવામાં આવ્યા હોય તે ઉપરાંત 108 અને ગંભીર સ્થિતિ ધરાવતા દર્દીઓને પણ પ્રવેશ આપવામાં આવે છે.
ધન્વન્તરી કોવીડ હોસ્પિટલમાં દર્દીઓના પ્રવેશ માટે ટોકન સિસ્ટમ દાખલ થવાથી હોસ્પિટલની બહાર સમગ્ર દિવસ દરમિયાન ખાનગી વાહનોની લાઈનનો અંત આવ્યો છે. આમ, દર્દીઓની વ્યથા દુર થઈ છે અને વ્યવસ્થા ઉભી થઈ છે. અગાઉની વ્યવસ્થામાં દર્દીઓને લઈને આવતા વાહનોએ ત્રણ થી ચાર કલાક લાઈનમાં ઉભુ રહેવું પડતુ હતું, તેના સ્થાને હવે સવારે એક કલાકમાં જ દર્દીઓના સ્વજનોને ટોકન ફાળવી દેવામાં આવે છે.
જેના આધારે નિયત કરવામાં આવેલા સમયે દર્દીને પ્રવેશ આપવામાં આવે છે. ગુજરાત સરકારના ઉચ્ચ અધિકારીશ્રીઓ દ્વારા આ નવી વ્યવસ્થાનું સતત નિરિક્ષણ અને મૂલ્યાંકન કરવામાં આવી રહ્યું છે.
આ ઉપરાંત ધન્વતરી કોવીડ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી રહેલા દર્દીઓને ઉત્તમ પ્રકારની આરોગ્યસેવા મળી રહે તે માટે તબક્કાવાર માનવબળનો ઉમેરો કરવામાં આવી રહ્યો છે. દર્દીનારાયણની સેવા માટે વધુ 104 તબીબી વિદ્યાર્થીઓને સાંકળવામાં આવ્યા છે. જેના પગલે આરોગ્ય સેવા વધુ સુદ્રઢ બનશે. દર્દીઓને સહેજ પણ અગવડ ન પડે તે માટેની તકેદારી રાખવામાં આવી રહી છે.
આ અનુસંધાનમાં જ 317 હાઉસ કિપિંગ સ્ટાફ, વોર્ડબોયની નિમણૂંક કરવામાં આવી છે. આ સ્ટાફ 24X7 દર્દીઓની સેવા માટે કાર્યરત રહેશે. આમ, કોવીડ ધન્વતરી હોસ્પિટલમાં આયોજનબદ્ધ રીતે કામગીરી ચાલી રહી છે, જેનો લાભ અંતે સામાન્ય નાગરિકોને થઈ રહ્યો છે.