ધર્મશાળામાં ભારે વરસાદનાં કારણે અચાનક બની પૂરની સ્થિતિ
શિમલા: દેશમાં એક તરફ ચોમાસાની લોકો આતુરતાથી રાહ જાેઇ રહ્યા છે. ત્યારે બીજી તરફ હિમાચલ પ્રદેશમાં આવેલા ધર્મશાળામાં એટલો ભારે વરસાદ પડ્યો છે કે અહી પૂરની સ્થિતિનું નિર્માણ થયુ છે. જણાવી દઇએ કે, હિમાચલ પ્રદેશનાં કાંગરા જિલ્લામાં વરસાદે તાંડવ મચાવ્યું છે. ધર્મશાળામાં સ્થિત ભાગસુનાગમાં વાદળ ફાટવાના કારણે એટલુ જબરદસ્ત પૂર આવ્યુ કે રસ્તાની સાઈડ પર પાર્ક કરેલા વાહનો પણ તણાઈ ગયા હતા. પ્રકૃતિનાં આ ભયંકર સ્વરૂપને જાેઈ લોકો પણ ભયભીત થઈ ગયા છે. ગત રાતથી રાજ્યભરમાં મુશળધાર વરસાદ વરસી રહ્યો છે, નદીઓ તોફાને ચઢી છે.
સવારે આઠ વાગ્યાની આસપાસ, પર્યટક સ્થળ મેક્લોડગંજનાં ભાગસુનાગથી ઉપર આવેલી નાલીનો માર્ગ બદલાઈ ગયો. નાલી ડાયવર્ટ થઇ હોવાના કારણે ભાગસુનાગ મંદિર રોડ પર સ્થિત પાર્કિંગ તરફ પાણી વહી જવા લાગ્યું હતું અને પાર્કિંગની બાજુમાં ચાર કાર અને અનેકો બાઇકો તણાઈ ગયા હતા. આ સિવાય ભાગસુનાગ સ્કૂલને પણ ભારે નુકસાન ભોગવવુ પડ્યુ છે. પાણીનાં પ્રવાહને કારણે અડીને આવેલી હોટલો પણ પાણીથી ભરાઈ ગઈ છે. ધર્મશાળામાં શિલા ચોકની પાસે ખડમાં પૂરનાં કારણે ત્રણ માળનું મકાન ધરાશાયી થયું હતું.
વળી અહી ફાયર બ્રિગેડનાં વાહનો પણ પહોંચી શકતા નથી. રસ્તો અવરોધિત હોવાના કારણે ગાડીઓની અવર-જવર બંધ થઇ ગઇ છે.
જણાવી દઇએ કે, ભારે વરસાદનાં કારણે ધર્મશાળામાં માંજી નદી તાંડવ કરી રહી છે. નદીનું જળસ્તર સતત વધી રહ્યુ છે, જે લોકો માટે મુસિબત ઉભી કરી રહ્યુ છે. રવિવારે મોડી રાતથી ધર્મશાળામાં ભારે વરસાદ પડી રહ્યો છે, જેના કારણે હવે નદીઓ અને નાલીઓએ રોદ્ર સ્વરૂપ ધારણ કર્યું છે. ભારે વરસાદને કારણે અનેક સ્થળોએથી નુકસાનનાં અહેવાલો પણ બહાર આવી રહ્યા છે.
બીજી તરફ જમ્મુ-કાશ્મીરનાં ગાંદરબલમાં વાદળ ફાટવાની ઘટના સામે આવી છે, જેના કારણે તબાહી સર્જાઇ છે. વાદળ ફાટવા પર કાટમાળનાં કારણે નદીઓ તોફાન કરી રહી છે. ઘણા મકાનોને પણ નુકસાન થયું છે. ગામનાં લોકોને પોતાનુ ઘર છોડીને બહાર આવવું પડ્યું છે.