ધર્માંતરણ કે લગ્નના કારણે અનામતનો અધિકાર ખતમ નથી થઈ જતોઃ કેરળ હાઈકોર્ટ

નવી દિલ્હી, કેરળ હાઈકોર્ટે અનામત અંગે પોતાના એક ચુકાદામાં કહ્યુ છે કે, ધર્માંતરણ કરવાથી કે અનામતનો લાભ ના મળતો હોય તેવા વ્યક્તિ સાથે લગ્ન કરવાથી અનામતનો અધિકાર ખતમ થતો નથી.
કેરળની બેક્સીએ નામની મહિલાએ હાઈકોર્ટમાં એક પિટિશન કરી હતી. મહિલાની નિમણૂંક પ્રાથમિક સ્કૂલમાં શિક્ષિકા તરીકે થઈ હતી અને તેણે જાતિ પ્રમાણપત્ર માટે અરજી કરી હતી. જોકે તંત્ર દ્વારા મહિલાને પ્રમાણ પત્ર આપવાનો એટલા માટે ઈનકાર કરાયો હતો કે, તેણે ખ્રિસ્તી ધર્મના વ્યક્તિ સાથે લગ્ન કર્યા હતા.
તંત્રના નિર્ણયને બેક્સી એ દ્વારા હાઈકોર્ટમાં પડકારવામાં આવ્યો હતો. જેની સુનાવણ બાદ કોર્ટે કહ્યુ હતુ કે, શિક્ષિકાનો અનામત માટેનો અધિકાર તેણે બિન અનામતની કેટેગરીમાં આવતા વ્યક્તિ સાથે લગ્ન કર્યા બાદ પણ ચાલુ રહે છે. કોર્ટે તંત્રને આ શિક્ષિકાને વહેલી તકે જાતિનુ પ્રમાણપત્ર આપવા માટે હુકમ કર્યો હતો.