ધર્મા પ્રોડક્શનના પ્રોડ્યુસર ક્ષિતિજ પ્રસાદની ધરપકડ
મુંબઈ, સુશાંત કેસમાં ડ્રગ્સ એંગલની તપાસ કરી રહેલા નાર્કોટિક્સ કંટ્રોલ બ્યૂરોએ કરણ જોહરના ધર્મા પ્રોડક્શન સાથે સંકળાયેલા એક્ઝિક્યુટિવ પ્રોડ્યુસર ક્ષિતિજ પ્રસાદની ધરપકડ કરી છે. ક્ષિતિજની ૨૪ કલાક જેટલી લાંબી પૂછપરછ કર્યા બાદ તેની ધરપકડ કરાઈ હતી.
અહેવાલ અનુસાર, ક્ષિતિજને એનસીબીએ સમન્સ મોકલ્યું હતું, અને તેના ઘર પર પણ દરોડા પાડવામાં આવ્યા હતા. બે ડ્રગ પેડલર્સે ક્ષિતિજનું નામ આપતા એનસીબીએ તેની વિરુદ્ધ પણ તપાસ શરુ કરી હોવાનું જણાવ્યું છે.
એવું પણ જાણવા મળી રહ્યું છે કે વ્હોટ્સએપ ચેટમાં ક્ષિતિજે એવું કહ્યું હતું કે તે ડ્રગ્સની વ્યવસ્થા કરી શકે છે, અને એનસીબી હાલ પેડલર અને સપ્લાયર વચ્ચેની લિંક પ્રસ્થાપિત કરવા તપાસ કરી રહી છે.
ક્ષિતિજની ધરપકડ બાદ કરણ જોહરે એક નિવેદનમાં જણાવ્યું હતું કે તે ક્ષિતિજને અંગત રીતે નથી ઓળખતો, અને તેણે તે પોતાનો ખાસ માણસ હોવાનો પણ ઈનકાર કર્યો હતો.