ધર્મેન્દ્ર બાદ મિથુન ચક્રવર્તી પડ્યા બીમાર
મુંબઈ, બોલિવૂડના દિગ્ગજ અભિનેતા મિથુન ચક્રવર્તીને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. હોસ્પિટલના બેડ પર પડેલા અભિનેતાની તસવીર સોશિયલ મીડિયા પર વાયરલ થઈ ત્યારથી અભિનેતાની તબિયતને લઈને વિવિધ અફવાઓ પણ ઉડી રહી છે. તેમના તબિયત અંગે સમાચારથી ચાહકો પરેશાન થયા છે.
હોસ્પિટલમાંથી મિથુનની તસવીર ઘણા પ્લેટફોર્મ પર શેર કરવામાં આવી રહી છે. મિથુનને આ હાલતમાં જોઈને તેમના ચાહકો ખૂબ જ પરેશાન થઈ રહ્યા છે પરંતુ ગભરાવાની જરૂર નથી. અમે તમને અભિનેતાના વાયરલ ફોટાનું સત્ય જણાવી રહ્યા છીએ.
મિથુનના પુત્ર મિમોહ ચક્રવર્તીએ હવે અભિનેતાના સ્વાસ્થ્ય અંગે માહિતી આપી છે. તેણે કહ્યું હતું કે, મિથુન ચક્રવર્તીને કિડનીની સ્ટોન સમસ્યા બાદ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. તેમની આ વાયરલ તસવીર હોસ્પિટલની જ છે જેમાં તે બેભાન અવસ્થામાં બેડ પર જોવા મળી રહ્યા છે પરંતુ હવે અભિનેતાની તબિયત બિલકુલ ઠીક છે. તેમને બેંગ્લોરની હોસ્પિટલમાંથી રજા પણ આપવામાં આવી છે. તેઓ એકદમ ફિટ અને ફાઈન છે.
મિથુન ચક્રવર્તીના હેલ્થ અપડેટ સામે આવ્યા બાદ હવે તેમના લાખો ચાહકોએ રાહતનો શ્વાસ લીધો છે. દરેક લોકો અભિનેતા ઝડપથી સ્વસ્થ થાય એવી પ્રાર્થના કરી રહ્યા છે.
ભાજપના રાષ્ટ્રીય મહાસચિવ ડો. અનુપમ હઝરાએ પોતાના ટ્વિટર હેન્ડલ પર મિથુન ચક્રવર્તીના ફોટા પણ શેર કર્યા છે અને અભિનેતા ઝડપી સ્વસ્થ થાય એવી પ્રાર્થના કરી છે.
મિથુન ચક્રવર્તી તાજેતરમાં કલર્સના શો હુનરબાઝમાં જોવા મળ્યા હતા. મિથુન ચક્રવર્તી આ શોના જજ હતા અનેતેઓએ સમગ્ર શો દરમિયાન પોતાના ખાસ અંદાજથી દર્શકોનું ખૂબ મનોરંજન કર્યું હતું. મિથુન ચક્રવર્તી આ વર્ષની ઐતિહાસિક ફિલ્મ ધ કાશ્મીર ફાઈલ્સમાં પણ જોવા મળ્યા હતા. આ ફિલ્મમાં તેમની એક્ટિંગની ખૂબ પ્રશંસા કરવામાં આવી હતી