ધર્મ અને કર્મના સિધ્ધાંતને વરેલા મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ
દાદા ભગવાનના ચુસ્ત અનુયાયી તેવા ‘રાજકારણમાં રહીને પણ રાજકારણથી દુર’ ભુપેન્દ્રભાઈ
(દેવેન્દ્ર શાહ દ્વારા) અમદાવાદ, ઘાટલોડીયા વિધાનસભાના ધારાસભ્ય ભુપેન્દ્રભાઈ પટેલ (દાદા)ની મુખ્યમંત્રી પદે વરણી રાજકીય નેતાઓ અને નિષ્ણાતો માટે કદાચ આંચકાજનક રહી છે પરંતુ ભુપેન્દ્રભાઈને નજીકથી ઓળખનારા લોકોના મંતવ્ય મુજબ ભાજપ હાઈકમાન્ડ દ્વારા શ્રેષ્ઠ પસંદગી કરવામાં આવી છે.
સ્વભાવે ધાર્મિક અને કર્મના સિધ્ધાંતને માનતા ભુપેન્દ્રભાઈ પટેલને અજાત શત્રુ પણ માનવામાં આવે છે. પૂર્વ મુખ્યમંત્રી આનંદીબેન પટેલની અત્યંત નજીક હોવા છતાં કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે જ તેમના નામ પર મ્હોર લગાવી છે તે બાબત જ ભુપેન્દ્રભાઈની સરળતા સાબિત કરવી પુરતી છે.
બાદ તેઓ દાદા ભગવાનના દર્શન માટે ગયા હતા મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ ઘણા વર્ષોથી રોજ બે કલાક અડાલજ સ્થિત ત્રિ મંદીરમાં સેવા આપે છે તેમના નજીકના વર્તુળોનું માનીએ તો ત્રિ મંદીરમાં સેવાકાર્ય દરમ્યાન તેઓ મોબાઈલ પણ બંધ કરે છે નવનિયુક્ત મુખ્યમંત્રી ધર્મની સાથે સાથે કર્મમાં પણ પ્રબળ આસ્થા ધરાવે છે કર્મના સિધ્ધાંત મુજબ જ તેઓ જીંદગી જીવી રહયા છે તેમની સૌથી મોટી ખાસિયત એ છે કે તેઓ કોઈપણ વ્યક્તિને તેની “માણસાઈ”ના આધારે માન- સન્માન આપે છે.
પદ અને પ્રતિષ્ઠાના આધારે કોઈને મહત્તા આપવામાં તેઓ માનતા નથી. ભુપેન્દ્રભાઈ પટેલ અને દાદા ભગવાન ફાઉન્ડેશનનો સંબંધ બે દાયકા કરતા પણ જુનો છે.
સ્વ. નિરુમાના વકતવ્યો અને પ્રવચનથી તેઓ અત્યંત પ્રભાવિત છે જેના કારણે જ ફાઉન્ડેશનના સત્સંગ અને જ્ઞાનવિધિ કાર્યક્રમમાં તેઓ ખડેપગે સેવા આપે છે ભુપેન્દ્રભાઈને ધરતીકંપ બાદ ધંધાકીય અને આર્થિક સમસ્યા થઈ હતી તે સમયના કપરાકાળમાંથી તેઓ દાદા ભગવાન સત્સંગના કારણે જ હેમખેમ બહાર આવ્યા હોવાનું સ્વીકારે છે.
રાજકીય પ્રવૃતિમાં વ્યસ્ત હોવા છતાં તેઓ ક્યારેય પણ સેવા અને સત્સંગને ચુકયા નથી. તેઓ ધર્મની સાથે સાથે માનવસેવાને પ્રાથમિકતા આપે છે. તેમના જીવનનો મુળ મંત્ર એટલે “મારી પાસે જરૂરીયાત કરતા વધુ સંપત્તિ કે સાધનો હોય તો તેમાંથી થોડો હિસ્સો જરૂરીયાતવાળાને આપવો જરૂરી છે.” તેમની કમાઈ ધંધાકીય આવકનો મોટો હિસ્સો માનવીય સેવા માટે ખર્ચ થાય છે. ધરતીકંપ બાદ તેમણે જે તકલીફો ભોગવી હતી તેમાંથી પ્રેરણા લઈને તેમની નજીક રહેલા જે લોકો તકલીફ ભોગવી રહયા છે તેમને મદદરૂપ થવા પ્રયાસ કરે છે.
ખાસ કરીને ભાડાના મકાનમાં રહેતા જાણીતા કે અજાણ્યા લોકોને તેમની માલિકીના ઘર બનાવવા પણ છાના ખુણે મદદ કરતા રહયા છે તેવી જ રીતે અનેક દીકરીઓના “હાથ પીળા” કરવા માટે “બંધ મુઠ્ઠી” સેવા આપતા રહયા છે. ગુજરાતના નવા મુખ્યમંત્રી “રાજકારણ”માં રહીને પણ “રાજકારણ” થી જાેજનો દુર છે, જેના કારણે જ ભાજપ હાઈકમાન્ડે સર્વ સંમતિથી તેમની પસંદગી કરી હોવાનું માનવામાં આવે છે તેમની સરળતા અને સાદગી અન્ય લોકો માટે પ્રેરણારૂપ છે મુખ્યમંત્રી પદે તેમની નિયુક્તિ ભાજપના સીનીયરો માટે પણ સબકરૂપ છે.
ખોટા વાદ-વિવાદ કે શક્તિ પ્રદર્શન કર્યા વિના પાર્ટીને વફાદાર રહેવાથી પણ ઉચ્ચ હોદ્દા મળી શકે છે તે બાબત ભુપેન્દ્રભાઈ એ સાર્થક કરી છે. પુર્વ મુખ્યમંત્રી આનંદીબેનના અત્યંત વિશ્વાસુ હોવા છતા અમિતભાઈ શાહે તેમની પસંદગી કરી છે તે બાબત તેમના ધર્મ અને કર્મ ના સિધ્ધાંતને સાબિત કરે છે.