ધવનની ધમાકેદાર બેટિંગ, દિલ્હીએ પંજાબને હરાવ્યું
મુંબઈ:શિખર ધવનની ધમાકેદાર બેટિંગની મદદથી દિલ્હી કેટિલ્સે ઈન્ડિયન પ્રીમિયર લીગ ટી૨૦ ક્રિકેટ ટુર્નામેન્ટમાં રવિવારે રમાયેલી મેચમાં પંજાબ કિંગ્સ વિરુદ્ધ છ વિકેટે શાનદાર વિજય નોંધાવ્યો હતો. આઈપીએલ-૧૪મા રવિવારે મુંબઈના વાનખેડે સ્ટેડિયમમાં રમાયેલી મેચમાં દિલ્હીએ ટોસ જીતીને પંજાબ કિંગ્સને પ્રથમ બેટિંગનું આમંત્રણ આપ્યું હતું. કેપ્ટન લોકેશ રાહુલ અને મયંક અગ્રવાલની અડધી સદીની મદદથી પંજાબે નિર્ધારીત ૨૦ ઓવરમાં ૪ વિકેટે ૧૯૫ રનનો સ્કોર નોંધાવ્યો હતો.
જેના જવાબમાં દિલ્હી કેપિટલ્સે ૧૮.૨ ઓવરમાં ૪ વિકેટે ૧૯૮ રન નોંધાવીને મેચ જીતી લીધી હતી. શિખર ધવને ૯૨ રનની લાજવાબ ઈનિંગ્સ રમી હતી. ૧૯૬ રનના લક્ષ્યાંકને પાર પાડવા ઉતરેલી દિલ્હીની ટીમને શિખર ધવન અને પૃથ્વી શોની જાેડીએ અદ્દભુત શરૂઆત અપાવી હતી. બંનેએ શરૂઆતથી જ આક્રમક વલણ અપનાવ્યું હતું. આ જાેડીએ ૫.૩ ઓવરમાં ૫૯ રનની ભાગીદારી નોંધાવી હતી. જાેકે, અર્શદીપ સિંહે આક્રમક બેટિંગ કરી રહેલા પૃથ્વી શોને આઉટ કરીને આ જાેડી તોડી હતી.
શોએ ૧૭ બોલમાં ત્રણ ચોગ્ગા અને બે સિક્સરની મદદથી ૩૨ રન નોંધાવ્યા હતા. જ્યારે ધવન પોતાની સુંદર ઈનિંગ્સથી ટીમને વિજય સુધી દોરી ગયો હતો. જાેકે, ટીમ જીતની નજીક આવી હતી ત્યારે તે આઉટ થઈ ગયો હતો. તે આઠ રન માટે પોતાની સદી ચૂકી ગયો હતો. ધવને ૪૯ બોલમાં ૯૨ રન ફટકાર્યા હતા જેમાં ૧૩ ચોગ્ગા અને બે સિક્સર સામેલ હતી. ધવન આઉટ થયો ત્યારે દિલ્હીનો સ્કોર ૧૫ ઓવરમાં ત્રણ વિકેટે ૧૫૨ રન હતો. ટીમને જીત માટે ૫ ઓવરમાં ૪૫ રનની જરૂર હતી.
પરંતુ માર્ક્સ સ્ટોઈનિસે ત્યારે કેપ્ટન રિશભ પંત સાથે મળીને શાનદાર બેટિંગ કરી હતી. ૧૮મી ઓવરના પ્રથમ બોલ પર પંત પણ આઉટ થઈ ગયો હતો. તેણે ૧૬ બોલમાં ૧૫ રન નોંધાવ્યા હતા. સ્ટોઈનિસે ૧૩ બોલમાં ત્રણ ચોગ્ગા અને એક સિક્સર સાથે ૨૭ રનની અણનમ ઈનિંગ્સ રમી હતી. જ્યારે લલિત યાદવ છ બોલમાં ૧૨ રન નોંધાવીને નોટઆઉટ રહ્યો હતો.