Western Times News

Gujarati News

ધામરોળની જમ્બેશ્વર હોટલ ઉપરથી ઝડપાયેલા કેમિકલ ટેન્કર પ્રકરણમાં ડ્રાઈવર અને ભરાવનાર સામે ગુનો દાખલ

પશુ,પર્યાવરણ અને માનવ સ્વાસ્થ્યને નુકશાન પહોંચાડે તેવું ઔદ્યોગિક પ્રવાહી કેમીકલ અને બે ટેન્કર મળી ૩૦ લાખ ઉપરાંતનો મુદ્દામાલ પોલીસે જપ્ત કરી વધુ તપાસ હાથધરી.

(વિરલ રાણા દ્વારા) ભરૂચ, ભરૂચ જીલ્લા માં આવેલી ઔદ્યોગિક વસાહતો માંથી નીકરતા ગેરકાયદેસરના કેમિકલ ના ટેન્કરોની રોજ બરોજ ઘટના વધતી જાય છે અને આ કૌભાંડ આંતરરાજ્ય બનતું જાય છે.પરંતુ તંત્ર નિંદ્રાવસ્થા માં જતું નજરે પડી રહ્યું છે.ત્યારે આવીજ એક ઘટના ગતરોજ સામે આવી હતી.જેમાં ભરૂચ જીલ્લાની ઝઘડિયા જીઆઈડીસી માંથી પશુ,પર્યાવરણ અને માનવ સ્વાસ્થ્યને નુકશાન પહોંચાડે તેવું વેસ્ટ ભરીને નિકરેલા ટેન્કરને ચાલક સાથે ધામરોળ નેશનલ હાઈવે ઉપરની જમ્બેશ્વર હોટલ ઉપરથી ઝડપી પાડવામાં આવતા ચાલક અને ટેન્કર ભરાવનાર ઝઘડિયા જીઆઈડીસીની એક કંપની ના ઈસમ સામે કોસંબા પોલીસ મથકે ગુનો દાખલ કરવામાં આવ્યો હતો.

બનાવની પ્રાપ્ત માહિતી અનુસાર ૨૩મી નવેમ્બરના રોજ રાત્રીના સમયે બે શંકાસ્પદ લાગતા તેમજ રાજ્ય બહારના રજીસ્ટ્રેશન નંબર ધરાવતા કેમીકલ ટેન્કરો નંબર એમએચ ૦૪ જીસી ૨૩૧૫ અને એમપી ૦૯ કેડી ૬૭૦૦ ની માહિતી પર્યાવરણ વાદીઓને મળતા તેઓ ઘટના સ્થળે પહોંચ્યા હતા અને સુરત જીપીસીબી અને કોસંબા પોલીસ ને જાણ કરતા તેઓ ઘટના સ્થળે દોડી આવ્યા હતા

જીપીસીબી દ્વારા તેમની રૂટિન મુજબ ની તપાસ ની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી  અને બંન્ને ટેન્કરો જપ્ત કરી ચાલક મૂળ ઈન્દોર જીલ્લાના ઉજાલીયા ગામના અને ડ્રાઈવિંગ નો ધંધો કરતા નાગુસિંગ અંબારામ કુમાવત અને ઝઘડિયા જીઆઈડીસી ની એક કંપનીના ગોલુક નાયક સામે ઈ.પી.કો કલમ ૨૭૮,૨૮૪,૧૪૪ તથા પર્યાવરણ સંરક્ષણ અધિનિયમ ૧૯૮૬ ની કલમ ૧૫ મુજબ ગુનો દાખલ કરી કાયદેસરની કાર્યવાહી કરી હતી.

કોસંબા પોલીસે ઘટના સ્થળે સ્થળે થી ટેન્કર નંબર એમએચ ૦૪ જીસી ૨૩૧૫ માં રહેલ ૨૬ ટનની કિંમત રૂપિયા ૫૨,૦૦૦ તેમજ અન્ય ટેન્કર નંબર એમપી ૦૯ કેડી ૬૭૦૦ માં રહેલ ૨૩ ટન પશુ,પર્યાવરણ અને માનવ સ્વાસ્થ્યને નુકશાન પહોંચાડે તેવા કેમીકલની કિંમત રૂપિયા ૪૬,૦૦૦ અને બંને ટેન્કરો મળી કુલ ૩૦ લાખ ઉપરાંતનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો.

અત્રે ઉલ્લેખનીય બાબત એ છે કે ભરૂચ જીલ્લા માં આવેલી ઔદ્યોગિક વસાહતો માંથી પશુ,પર્યાવરણ અને માનવ સ્વાસ્થ્યને નુકશાન પહોંચાડે તેવા કેમીકલના ભરેલા ટેન્કરો નીકળતા રાત્રી દરમ્યાન સગેવગે કરવાનું કૌભાંડ ચાલી રહ્યું છે.ત્યારે જીપીસીબી અને પોલીસ દ્વારા તેનું સતત મોનીટરીંગ કરવામાં આવે તો આવા તત્ત્વો ખુલ્લા પડે તેમ છે.ત્યારે આવી ઘટનાઓ બાદ જીપીસીબી અને પોલીસ ક્યાં પ્રકારની કાર્યવાહી કરે છે તે જોવું રહ્યું.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.