ધારપુર મેડીકલ કોલેજ પાટણ ખાતે હિમોફિલિયા ટ્રીટમેન્ટ સેન્ટરનો પ્રારંભ
(માહિતી બ્યુરો)પાટણ, પાટણ જિલ્લાના ધારપુર મેડીકલ કોલેજ અને જનરલ હોસ્પિટલ પાટણ ખાતે હિમોફિલિયા ટ્રીટમેન્ટ સેન્ટરનો પાટણ જિલાના સાંસદ ભરતસિંહ ડાભીના અધ્યક્ષસ્થાને શુભારંભ કાર્યક્રમ યોજાયો.
જેમાં પાટણ વિસ્તારના ધારાસભ્ય કિરીટભાઇ પટેલ ઉપસ્થિત રહ્યા હતા. આ પ્રસંગે સાંસદ ભરતસિંહ ડાભીએ જણાવ્યું હતું કે સમાજ જીવનમાં કરેલ સેવાના ઉપયોગી કામોની સમાજ નોંધ લે છે. હોસ્પિટલ ખાતે હિમોફિલિયા ગ્રસ્ત દર્દીઓની ઉત્તમ સારવાર સરળતાથી મળી રહે તે માટે નવું ટ્રીટમેન્ટ સેન્ટર ધારપુર પાટણ ખાતે કાર્યરત કરવામાં આવ્યુ. હિમોફિલિયાની આનુવંશિક ખામીની જાગૃતિ સમગ્ર ગુજરાતમાં આવે તે પ્રકારની કામગીરી રાજય સરકાર કરી રહી છે.
હિમોફિલિયાની ખામી અસાધ્ય રોગ છે. તેનો ખર્ચ પણ વધુ થતો હોઇ હિમોફિલિયા પરિવારના રાજ્ય સરકાર વાલી બની સતત ચિંતા કરી રહી છે. રાજયમાં હિમોફિલિયાના ટ્રીટમેન્ટની શરૂઆત સુરત પછી ધારપુર હોસ્પિટલ ખાતે સેવા ચાલુ કરવામાં આવી છે. જેનાથી દર્દીઓને હિમોફિલિયાની સારવાર ઘર આંગણે ઉપલબ્ધ થશે.
આ પ્રસંગે પાટણના ધારાસભ્ય કિરીટભાઇ પટેલે જણાવ્યુ હતું કે કોરોના કાળમાં હોસ્પિટલે મજબૂત સેવા પૂરી પાડી છે. હિમોફિલિયાની ખામીના ૮૫ ટકા દર્દીઓ એ-ટાઇપની બીમારીથી પીડાતા હોય છે. હોસ્પિટલ અને હેત હિમોફિલિયા એજ્યુકેશન એન્ડ ઇન્ફોરમેશન ટ્રસ્ટના સહયોગથી દર્દીઓ સાથે હેત જેવા સંબંધો બની રહ્યા છે.
જેના થકી દર્દીઓમાં આત્મવિશ્વાસ મજબૂત બન્યો છે. આ કાર્યક્રમમાં ધારપુર મેડીકલ કોલેજ પાટણના ડીન યોગેશાનંદ ગોસ્વામીએ હિમોફિલિયા અંગે ચાલતી સારવાર અંગેની જરૂરી વિગતો અને માર્ગદર્શન પૂરૂ પાડ્યુ હતું. આ કાર્યક્રમમાં ધારપુર મેડીકલ કોલેજ પાટણના સુપ્રિટેન્ડન્ટ મનિષ રામાવત,
ર્ડા.જયેશ પંછીવાલા, સુરેશભાઇ પટેલ, ર્ડા.રમેશભાઇ પ્રજાપતિ, હિમોફિલિયા એજ્યુકેશન એન્ડ ઇન્ફોરમેશન ટ્રસ્ટના ચેરમેન પ્રવિણસિંહ મોરી, હોસ્પિટલના ર્ડોકટરો, નર્સો સહિત હિમોફિલિયાના દર્દીઓ અને વાલીઓ ઉપસ્થિત રહ્યા હતા.