Western Times News

Gujarati News

ધારાસભ્યોના ટેસ્ટ કરાયા, કાંધલે વ્હીપનો અનાદર કર્યો

ગાંધીનગર,  રાજ્યસભાની ૪ બેઠકની ચૂંટણી માટે મતદાન પૂર્ણ થઈ ગયું છે. ભાજપના ૧૦૩, કોંગ્રેસના ૬૫, એનસીપી-૧ અને એક અપક્ષે મતદાન કર્યું છે. પરંતુ બીટીપી ભાજપ અને કોગ્રેસને સતત સતાકૂકડીરમાડીને છેલ્લે મતદાનથી દૂર રહ્યા હતા. આ સાથે જ ભાજપના ત્રણેય ઉમેદવાર રમીલાબેન બારા, નરહરિ અમીન અને અભય ભારદ્વાજની જીત નિશ્ચિત થઈ ગઈ છે. જ્યારે કોંગ્રેસમાંથી શક્તિસિંહ ગોહિલની જીત નક્કી થઈ ગઈ છે. જ્યારે કોંગ્રેસના ભરતસિંહ સોલંકીને હારનો સામનો કરવો પડ્યો છે.

ભાજપના પ્રદેશ મહામંત્રી અને સુમુલ ડેરીના ચેરમેનએ મોટું ઓપરેશન પાર પાડીને બીટીપીના બંને ધારાસભ્યને મતદાનથી દૂર રાખવા માટે મનાવી લીધા છે. નર્મદા અને ભરૂચ જિલ્લા પંચાયતમાં કોંગ્રેસ ટેકો પાછો ખેંચે તેવી શક્યતા છે.ભાજપ અને કોંગ્રેસે બીટીપીના બન્ને ધારાસભ્યને છેલ્લી ઘડી સુધી મનાવ્યા હતા. પરંતુ તેઓ મતદાન કરવા આવ્યા નહોતા. બપોર સુધીમાં ૧૭૨ ધારાસભ્યમાંથી ૧૭૦ ધારાસભ્યએ બપોર સુધીમાં મતદાન કર્યું હતુ. જેમાં કોંગ્રેસના ૬૬, ભાજપના ૧૦૩ અને એનસીપીના ૧ મતનો સમાવેશ થાય છે.

રૂપાણીએ મતદાન બાદ કહ્યુ કે બીજેપી ત્રણેય બેઠકો જીતશે
મુખ્યમંત્રી વિજય રૂપાણીએ જણાવ્યું છેકે, રાજ્યસભાની ચૂંટણીમાં ભાજપે એકજૂટ થઇને મતદાન કર્યું છે. ભાજપના તમામ ઉમેદવાર જીતશે. ભાજપના ધારાસભ્યને તોડવાના કોંગ્રેસે અનેક પ્રયાસ કર્યા, પણ કોંગ્રેસ નિષ્ફળ નિવડી છે. બીટીપીના મત ભાજપ તરફ ખેંચવા તેમણે જણાવ્યું છેકે, પૈસા એક્ટ ભાજપ સરકાર જ લાવી છે. આ કાયદાનો પૂર્ણ રીતે ઉપયોગ કરવામાં આવશે. આદિવાસી સમાજના વિકાસ માટે સરકાર કટિબદ્ધ છે.

ભાજપના ૩ ધારાસભ્ય બીમાર, સહાયક થકી મતદાન
માતરના ધારાસભ્ય કેસરીસિંહ સોલંકીને છાતીમાં દુખાવાના કારણે હોસ્પિટલમાં દાખલ કરાયા હતા. તેમણે પોસ્ટલ બેલેટથી મતદાન કર્યું હતું. બલરામ થવાણીને પણ વ્હીલ ચેરમાં લાવવામાં આવ્યા હતા. આજે ૩ ધારાસભ્યો સહાયકની મદદથી મતદાન કરવાના છે. જેમાં કેસરીસિંહ અને બલરામ થાવાણીએ મતદાન કર્યું છે. રાજ્યસભાની ચૂંટણી જીતવા માટે એક એક મત મહત્વનો હોવાથી જે ધારાસભ્યોનું સ્વાસ્થ્ય હાલ સારું નથી તેમને પણ ખાસ વ્યવસ્થા સાથે મતદાન મથકે લાવવામાં આવ્યા હતા અને તેઓ સહાયકની મદદથી મતદાન ર્કુ હતુ. આ ત્રણ ધારાસભ્યોમાં પરષોત્તમ સોલંકી, શંભુજી ઠાકોર અને કેસરીસિંહ ચૌહાણનો સમાવેશ થાય છે.

મતદાન પૂર્વે ધારાસભ્યો સેનિટાઈઝ, ટેમ્પરેચર માપવામાં આવ્યુ
ભાજપના સભ્યોને જૂથ પ્રમાણે એમએલએ ક્વાર્ટરથી મતદાન મથકે પહોંચ્યા હતા. જ્યારે કોંગ્રેસના ધારાસભ્યો હોટલ ઉમેદથી પહોંચ્યા હતા. સમગ્ર પ્રક્રિયા પહેલા ધારાસભ્યએ સેનિટાઈઝ કર્યા હતા બાદમાં ત્યાં તેનું ટેમ્પરેચ૨ માપવામાં આવ્યુ હતુ. બાદમાં જે ધારાસભ્યને મત આપવાનો ક્રમાંક આવ્યો તેને સૌપ્રથમ મતદાન કેન્દ્રમાં પહોંચીને તેનો માસ્ક ઉતારીને ફોટો ખેંચાવ્યો હતો. પછી ધારાસભ્યએ મતદાન કર્યુ હતુ.

છોટુ વસાવાએ મતદાન પૂર્વે શિડ્‌યુલ ૫નો અમલ કરવાની શરત મૂકી
બીટીપી ના છોટુ વસાવાએ મતદાન પહેલા શરત મૂકી છે કે, બંધારણનો શિડ્‌યુઅલ પાંચ લાગુ કરીને અમલ કરવા લેખિતમાં ખાતરી આપે પછી મતદાનનની વાત. એસટી ,એસસી અને ઓબીસી વિરોધી સરકાર છે, કોંગ્રેસની સરકાર પણ આરએસએસ ચલાવતી હતી. આજે ભાજપની સરકાર છે તો પણ આરએસએસ જ ચલાવે છે. પત્રકારે પુછ્યુ નાક દબાવો છો ? તો છોટુભાઈ કહે “એ લોકોનું મોટું નાક છે, અહી દબાવે તો બીજેથી શ્વાસ લે”

પાંચ ઉમેદવાર વચ્ચે ચાર બેઠક પર જંગ
ગુજરાતમાં ભાજપના ત્રણ અને કોંગ્રેસના બે ઉમેદવારો મેદાનમાં છે. પરંતુ આ ચૂંટણીમાં જંગ તો ભાજપના ત્રીજા અને અંતિમ ઉમેદવાર નરહરિ અમીન તથા કોંગ્રેસના બે ઉમેદવારો તથા વરિષ્ઠ નેતા શક્તિસિંહ ગોહિલ અને ભરતસિંહ સોલંકી વચ્ચે છે. આ રીતે જોઇએ તો આ જંગમાં પ્રતિષ્ઠાનો દાવ મૂળે કોંગ્રેસી નેતાઓ વચ્ચે જ ખેલાયો હતો.
કાંઘલ જાડેજા વ્હીપનો અનાદર કર્યો

રાજ્યસભામાં વિજય માટે મતની ફોર્મ્યુલા જોતા દરેક ઉમેદવારને જીતવા ૩૫ મત જરૂરી હતા. ભાજપના ૧૦૩ મત છે અને સાથે એનસીપીના ધારાસભ્ય કાંધલ જાડેજાને પક્ષનો મેન્ડેટ કોંગ્રેસ તરફી મતદાન કરવાનો હોવા છતાં તે ભાજપના ઉમેદવારને મત આપ્યો હતો. આમ ભાજપના ત્રીજા ઉમેદવાર નરહરિ અમીનને જીતવા માટે માત્ર એક મત ખૂટે હતો. આ તરફ કોંગ્રેસના ૬૫ ધારાસભ્યો છે અને અપક્ષ જિજ્ઞેશ મેવાણીનો એક મત ગણીએ તો કુલ ૬૬ મત થતા હતા. જીતવા માટે બીજા ઉમેદવારને ચાર મત ખૂટે અને તે જોતાં જો બીટીપીના બન્ને મત પણ કોંગ્રેસને મળ્યા હોત તો ય જીતનો જામ થોડો દૂર આવીને ઢોળાઇ જાય તેમ હતો.

કોંગ્રેસે સવારે જ બંધ પરબીડિયામાં ધારાસભ્યોને વ્હીપ અપાયા
કોંગ્રેસના સૂત્રો પાસેથી મળેલી જાણકારી મુજબ પક્ષ પોતાના ધારાસભ્યોને મત માટેનો વ્હીપ શુક્રવારે સવારે જ બંધ પરબિડીયામાં આપ્યા હતા.આથી ધારાસભ્યોને સીધી રીતે ખ્યાલ ન આવે કે કયાં ઉમેદવારને કેટલાં મત મળશે. હાલના સંજોગોમાં પ્રથમ ઉમેદવાર શક્તિસિંહને જ પ્રાથમિકતાના મત મળે અને રાજ્યસભામાં લઇ જવાય તેવાં પ્રયત્નો કર્યા હતા.
ભાજપ ત્રણેય બેઠકો જીતશે તેનું આ ગણિત હતુ.

ભાજપની પાસે ૧૦૩ વોટ, ૩ બેઠકો જીતવા માટે ૧૦૫ વોટની જરૂર
સ્થિતિઃ ભાજપે અભય ભારદ્વાજ, નરહરિ અમીન અને રમીલાબેન બારાને મેદાનમાં ઉતાર્યા હતા. રાજ્યમાં એક બેઠક જીતવા માટે ૩૫ વોટની જરૂરિયાત છે. ભાજપ પાસે ૧૦૩ વોટ છે. એટલે કે બે વોટ વધુ જોઈતા હતા.
રણનીતિઃ ભાજપની બે બેઠકો નક્કી હતી પણ ત્રીજી સીટ માટે તેને વધુ બે ધારાસભ્યોની જરૂર હતી, ભાજપની નજર બીટીપી અને એનસીપીના ધારાસભ્યો પર હતી. જો તેઓ એમની પાસે આવી જશે તો ભાજપ ૩ બેઠકો મેળવી લેશે.આમ ભાજપે બીટીપીના બે એમએલએને મતદાનથી દૂર રાખીને ત્રીજી સીટ મેળવી લીધી હતી.

રાજ્યસભા ચૂંટણીઃ કોંગ્રેસને ભાજપના બે મત સામે વાંધો, મત રદ્દ કરવા અરજી
ભૂપેન્દ્રસિંહ ચુડાસમા અને કેસરીસિંહ સોલંકીના મત સામે ચૂંટણી પંચમાં ફરિયાદ, મત રદ કરવા માંગ-
ગુજરાત રાજ્યસભાની ચાર બેઠકો માટેની ચૂંટણી પ્રક્રિયા પૂર્ણ થઈ ગઈ છે. ૧૭૨ ધારાસભ્યોના મતની સામે ૧૭૦ મત મુજબ મત ગણતરી થશે. ભારતીય ટ્રાઈબલ પાર્ટીના છોટુભાઈ વસાવા અને મહેશ વસાવાએ મત નથી આપ્યા. હવે મતગણતરી પહેલા કોંગ્રેસે ભાજપના બે વોટ પર વાંધા ઉઠાવ્યા છે. કોંગ્રેસે ભાજપના ભૂપેન્દ્રસિંહ ચુડાસમા અને કેસરીસિંહ સોલંકીના મતને લઇને ચૂંટણી પંચમાં સામે વાંધો ઉઠાવ્યો છે.

કોંગ્રેસે ચૂંટણી પંચમાં બંનેના મત રદ કરવા અરજી કરી છે.
કોંગ્રેસે જણાવ્યુ કે, ભુપેન્દ્રસિંહ ચુડાસમાની મેટર સબજ્યુડિશિયલ હોવાથી તેમનો મત અલગ રાખવામાં આવે. તો કેસરીસિંહ સોલંકી સંપૂર્ણપણે સ્વસ્થ હોવા છતાં તેઓએ પોતે અનફિટ હોવાના ખોટા પૂરાવા આપ્યા. આથી બંને ધારાસભ્યોના મત રદ્દ કરવામાં આવે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.