ધારાસભ્યોને અનુલક્ષીને ગ્રેજ્યુએટ-પોસ્ટ ગ્રેજ્યુએટ કોર્સ તૈયાર કરાયા
નવી દિલ્હી, મધ્ય પ્રદેશની ભોજ ઓપન યુનિવર્સિટીએ ધારાસભ્યોને અનુલક્ષીને કેટલાક ગ્રેજ્યુએટ અને પોસ્ટ ગ્રેજ્યુએટ કોર્સ તૈયાર કર્યા છે પરંતુ કોઈ પણ ધારાસભ્યએ તે માટે પ્રવેશ નથી લીધો. યુનિવર્સિટીએ તેમને વધુ એક તક આપીને આ કોર્સમાં એડમિશન લેવા માટેની અંતિમ તારીખ લંબાવીને ૩૧મી ડિસેમ્બર કરી દીધી છે.
વિધાનસભાના અધ્યક્ષે પણ જણાવ્યું કે, તેઓ ધારાસભ્યોને ફરી આ કોર્સમાં એડમિશન લેવા માટે અનુરોધ કરશે. ભોજ ઓપન યુનિવર્સિટી દ્વારા તૈયાર કરવામાં આવેલા ગ્રેજ્યુએટ અને પોસ્ટ ગ્રેજ્યુએટ કોર્સમાં રામચરિત માનસ અને ભગવદ ગીતા સાથે સંકળાયેલા અભ્યાસક્રમ છે.
યુનિવર્સિટીના રજિસ્ટ્રાર એલએસ સોલંકીએ જણાવ્યું કે, હાલ પૂરતું એડમિશનની તારીખ લંબાવી દેવાઈ છે અને ભવિષ્યમાં ધારાસભ્યોની રૂચિ બાદ તેના વિશે ર્નિણય લેવામાં આવશે. હકીકતે યુનિવર્સિટીએ વિધાનસભા અધ્યક્ષ ગિરીશ ગૌતમને પત્ર લખ્યો હતો કે, આ કોર્સ ખાસ રીતે ધારાસભ્યો માટે છે પરંતુ કોઈ પણ ધારાસભ્યએ આ કોર્સમાં રસ ન દાખવ્યો.
યુનિવર્સિટી દ્વારા કોર્સ અંગે જણાવવામાં આવ્યું ત્યાર બાદ વિધાનસભા અધ્યક્ષે તમામ ધારાસભ્યોને કહ્યું હતું કે, આ કોર્સના ગ્રેજ્યુએશનની સાથે સાથે રામચરિત માનસ અને ભગવદ ગીતાના જ્ઞાનની બારીકાઈ સમજવી પણ સરળ બનશે. પરંતુ વિધાનસભા અધ્યક્ષના અનુરોધ છતાં એક પણ ધારાસભ્યએ એડમિશન નહોતું લીધું. મધ્ય પ્રદેશ વિધાનસભામાં ગ્રેજ્યુએશન ન કર્યું હોય તેવા ધારાસભ્યોની સંખ્યા ૭૫ છે.
યુનિવર્સિટીએ વિધાનસભા સાથે મળીને આ કોર્સ તૈયાર કર્યા છે જેથી એવા ધારાસભ્યોને મદદ મળી શકે જેઓ શાળાકીય શિક્ષણ બાદ આગળ અભ્યાસ ન કરી શક્યા હોય.
આ કોર્સ દ્વારા તેમનું ગ્રેજ્યુએશન પણ થઈ જશે. યુનિવર્સિટીએ દર્શનશાસ્ત્ર માટે રામચરિતમાનસ અને પ્રબંધન અંગે જાણકારી માટે ભગવદ ગીતા ઉપરાંત કૌટિલ્યના અર્થશાસ્ત્રમાંથી મહત્વપૂર્ણ પ્રસંગો કાઢીને ધારાસભ્યો માટે આ અભ્યાસક્રમ તૈયાર કર્યો છે. આ સાથે જ યુનિવર્સિટીએ ધારાસભ્યો માટે બીએ, બીએસસી કે બીકોમના કોર્સની સાથે રામચરિતમાનસમાં ડિપ્લોમાની ઓફર આપી છે. તે સિવાય ભોજ ઓપન યુનિવર્સિટીએ ધારાસભ્યોને અભ્યાસક્રમની સામગ્રી મોકલવાની સાથે સાથે ઓનલાઈન અને ઓફલાઈન ક્લાસીઝ શરૂ કરવાની પણ વ્યવસ્થા કરી છે.SSS