ધારી પંથકમાંથી આશરે ૧૦ થી ૧૨ વર્ષના સિંહનો મૃતદેહ મળ્યો
અમરેલી,અમરેલીના ધારી પંથકમાંથી વધુ એક સિંહનો મૃતદેહ મળ્યો હોવાનું સામે આવ્યું છે. ધારી ગીર પૂર્વની સરસિયા રેન્જ હેઠળ આવતા ખોડિયાર ડેમ વિસ્તારમાંથી આશરે ૧૦ થી ૧૨ વર્ષના ડાલામથ્થા સિંહનો મૃતદેહ મળી આવતા હડકંપ મચી જવા પામ્યો હતો. આ અંગે વન વિભાગને જાણ કરતાં સ્ટાફ તાત્કાલિક ઘટના સ્થળે દોડી ગયો હતો. જ્યાં સિંહના મૃતદેહનું કારણ જાણવાની દિશામાં તપાસ હાથ ધરી છે.
ધારી ખોડિયાર ડેમના કાંઠે કોહવાય ગયેલી હાલતમાં સિંહનો મૃતદેહ પડયો હતો. આ મામલે ડીએફઓ રાજદીપસિંહ ઝાલાની સૂચનાથી ઇન્ચાર્જ એસીએફ ત્રિવેદીના માર્ગદર્શન હેઠળ સરસિયા રેન્જના આરએફઓ જ્યોતિ વોરા સહિતના વન વિભાગના સ્ટાફે તપાસ હાથ ધરી હતી. જ્યાં પ્રાથમિક તપાસમાં સિંહના મૃતદેહમાંથી ૧૧ ન્હોર મળી આવ્યા હતા.
જ્યારે અન્ય ન્હોર ડેમ કાંઠાના વ્હેણમાં શોધવાની વન વિભાગે કવાયત હાથ ધરી હતી. આ ઉપરાંત સિંહના મૃતદેહમાં માઇક્રોચીપ નં ૧ લાગેલ હોવાનું પણ જાણવા મળ્યું હતું.ત્યારબાદ સિંહના મોત અંગેનું કારણ જાણવા વન વિભાગે મથામણ આદરી હતી. જાેકે મોત અંગે કોઇ સ્પષ્ટ કારણ જાણવા ન મળતા મૃતદેહનું પોસ્ટમોર્ટમ કરી વિસેરા જૂનાગઢ લેબોરેટરીમાં મોકલાયા હતા. ધારી ગીરના સરસીયા રેંજની આ ઘટના અંગે સરસીયા રેંજના આર.એફ.ઓ.એ પુષ્ટી કરી હતી.SS3KP