ધીમી ગતિએ વિદાય લેતી ઠંડીનો કાતિલ સપાટો: અમદાવાદીઓ ફરીથી ઠુંઠવાયા
અમદાવાદ, અમદાવાદમાં આજે ઠંડી ઓછી પડવાની ગણતરી માંડી રહેલા ગુજરાતીઓ શહેરનું તાપમાન સિંગલ ડિજિટમાં નોંધાતા ફરી ઠંડીમાં ઠુંઠવાઇ રહ્યા છે. આજે સવારે ઉઠતાની સાથે જ શહેરીજનોએ બરફીલા ઠંડા પવન સાથે ઠંડીનો થથરાટ અનુભવ્યો છે.
સામાન્ય રીતે ઉત્તરાયણ પછી ઠંડી ઓછી થાય છે અને શિવરાત્રિ પછી લગભઘ ગાયબ થાય છે અને ત્યારબાદ બેવડી ઋતુનો પ્રારંભ થાય છે પરંતુ આ વર્ષે ઠંડી અમાપ પડી રહી છે, જ્યારે માવઠાએ પણ ત્રણ રાઉન્ડ લઇને કમોસમી વરસાદ સાથે રવિ પાક અને શાકભાજીને નુકસાન પહોંચાડ્યું છે.
ગાંધીનગર સહિત સૌરાષ્ટ્ર-ગજુરાત તથા ઉત્તર ભારતના તમામ રાજ્યમાં કાતિલ ઠંડીના સપાટા વચ્ચે આજે નગરજનોને ઠંડીની તીવ્રતાનો સામનો કરવો પડ્યો છે. અમદાવાદનું તાપમાન ગગડીને ૧૦ની નીચે ગયુ છે.
હવામાન વિભાગ મુજબ હજુ પણ સહી શકાય તેવી શીતલહેર જારી રેહાવની શક્યતા વ્યક્ત કરી છે. સાથે સાથે બરફીલો પવન પણ ફૂંકાતો રહેશે. વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ પૂર્વ તરફ આગળ ધપી ગયુ છે એટલે ૨ ફેબ્રુઆરી સુધી હવે કોઇ વરસાદની સંભાવના નથી. છતાં કેટલાક વિસ્તારોમાં વરસાદી છાંટા પડી શકે છે. ગુજરાતમાં આવતા પાંચ દિવસમાં તાપમાનમાં ૩થી ૫ ડિગ્રીનો ઘટાડો થઇ શકે છે. આ બાબત અમદાવાદીઓને રાહત આપશે. આજે અમદાવાદ, ગાંધીનગર, બનાસકાંઠા, પાટણ અને મહેસાણામાં કોલ્ડવેવ છે.
અત્રે ઉલ્લેખનીય છે કે ભરશિયાળે આ વર્ષમાં બીજી વખત વરસાદી માહોલ સર્જાયા બાદ ફરી અચાનક ઠંડીએ જાેર પકડ્યુ હતુ. અમદાવાદ સહિત રાજ્યના ૧૪ શહેરમાં માત્ર એક જ દિવસમાં લઘુતમ તાપમાનનો પારો ગગડીને ૧૬થી ૧૦ સુધી પહોંચી ગયો હતો. વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે અષાઢી વાતાવરણ સર્જાયુ હતું. કેટલાક શહેરમાં સતત બે દિવસ સુધી હળવો કમોસમી વરસાદ પડ્યો હતો. જેના કારણે જનજીવન પ્રભાવિત થયુ છે.
એક તરફ લોકો મૂંઝવણમાં મૂકાયા હતા તો બીજી તરફ વધુ પડતી ઠંડી અને વારંવાર બદલાતા મોસમના મિજાજે ખેડૂતોની દશા બેઠી છે, કેમ કે તેનાથી શિયાળુ પાકને નુકસાન થવાની ભીતિ છે.
ઠંડી ક્યારે વિદાય લેશે ?
લોકોની વાતચીત દરમિયાન એક જ સવાલ ચર્ચાઇ રહ્યો છે આ વર્ષે બહું ઠંડી પડી, હવે ઠંડી ક્યારે વિદાય લેશે, કંટાળી ગયા, જેઓ ક્યારેય વેધર રિપોર્ટ ન જાેતા હતા એ લોકો પણ હવે માવઠાની, ઠંડીની અને કેટલો પવન ફુકાશે તેવી માહિતી મેળવીને તે બાબતે અન્ય સાથે ચર્ચા કરતા જાેવા મળી રહ્યા છે.(એનઆર)