ધીરૂભાઈ અંબાણી સ્કૂલનો વિશ્વની ટોચની ૧૦ આઈબી સ્કૂલમાં સમાવેશ
મુંબઈ, બાંદરા કુર્લા કોમ્પલેકસમાં સ્થિત નિતા એમ અંબાણી સંચાલિત ધીરુભાઈ અંબાણી ઈન્ટરનેશનલ સ્કૂલને ગ્લોબલ ટોપ પ૦ આઈબી સ્કૂલ્સ ર૦૧૯માં ૧૦મું સ્થાન પ્રાપ્ત થયું છે. દુનિયામાં ટોપ ૧૦ ઈન્ટરનેશનલ બેકલોરેટ (આઈબી) સ્કૂલમાં સ્થાન પ્રાપ્ત કરનારી ભારતમાં તે એકમાત્ર આ પ્રકારની સ્કૂલ છે. યુકે સ્થિત સ્વતંત્ર શૈક્ષણિક કન્સલ્ટન્ટસ એજયુકેશન એડવાઈઝર્સ દ્વારા આ આકલન કરવામાં આવ્યું છે. આ ક્રમ ર૦૧૯ માટે સરેરાશ આઈબી ડિપ્લોમા ગુણને આધારે અપાયા છે.
ટોચની યાદીમાં સ્થાન પામેલી ઘણી બધી સ્કૂલો સમૃદ્ધ વારસો ધરાવે છે. અમુક આઈબી ડિપ્લોમાં પરીક્ષાઓમાં અનન્ય પરિણામોના ટ્રેક રેકોર્ડ સાથે ૧૦૦ વર્ષ જેટલી જૂની છે, જયારે ડીએઆઈએસની સ્થાપના ર૦૦૩માં થઈ હતી અને આઈબી ડિપ્લોમાં વિદ્યાર્થીઓનો તેમનો પ્રથમ બેચ ર૦૦૭માં સ્કૂલમાંથી સ્નાતક થયો હતો.
નિતા એમ અંબાણીએ જણાવ્યું હતું કે વૈશ્વિક સ્તરે ટોપ ૧૦ આઈબી સ્કૂલમાં સ્થાન એ ગૌરવની વાત છે. અમારા વિદ્યાર્થીઓની પ્રતિભા અને સખત મહેનત સાથે અમારા શિક્ષકોની એકધારી કટિબદ્ધતાનું આ પરિણામ છે. ૧૬ વર્ષના ટૂંકા ગાળામાં અમે ૧૦૦ વર્ષથી વધુ ઈતિહાસ ધરાવતી સ્કૂલોની હરોળમાં આવી ગયા છીએ. આ સિદ્ધિ વધુ ઉત્કૃષ્ટ શિક્ષણ પુરું પાડવા અમને પ્રેરિત કરશે, એમ તેમણે જણાવ્યું હતું.
એજ્યુકેશન એડવાઈઝર્સના એમડી લેસ વેબે જણાવ્યું હતું કે ખાસ કરીને સિંગાપોર, હોંગકોંગ અને હવે મુંબઈ પણ ટોપ આઈબી સ્કૂલોમાં પોતાનું સ્થાન મજબુત બનાવી રહ્યાં છે તે જાઈને ખશી થાય છે. મુંબઈએ મહતમ ૩પ સ્કોરમાંથી ૩૭.પ પોઈન્ટ્સ મેળવ્યા છે. આઈબી પ્રોગ્રામ ૧પ૬ દેશમાં પ૧૩૯ સ્કૂલમાં પ્રદાન કરાય છે. (એન.આ.ર)