ધુમ્મસ અને ઠંડી વચ્ચે યાત્રીને સ્ટેશન પર રાહ જોવી નહીં પડે
નવીદિલ્હી, ઠંડીની સિઝનમાં ધુમ્મસના કારણે ટ્રેન લેટ થવાની સ્થિતિમાં હવે રેલવે યાત્રીઓને બિનજરૂરીરીતે કલાકો સુધી પ્લેટફોર્મ ઉપર ઇંતજાર કરવાની ફરજ પડશે નહીં. યાત્રીઓની યાત્રાને સુવિધાજનક બનાવવા માટે ભારતીય રેલવે દ્વારા જાહેરાત કરવામાં આવી છે કે, યાત્રીઓને ટ્રેનોના સંદર્ભમાં પહેલાથી જ રિયલ ટાઈમ અપડેટ ઉપલબ્ધ કરાવવામાં આવશે. ઠંડીની શરૂઆત થઇ રહી છે ત્યારે ધુમ્મસની સ્થિતિ પણ શરૂ થઇ ચુકી છે. ટ્રેનો અને વિમાનોમાં વિલંબ થવાની શરૂઆત થઇ ચુકી છે. ઠંડીની સિઝનમાં ધુમ્મસના કારણે દેશભરમાં ટ્રેનો અને ફ્લાઇટોમાં વિલંબ થવાની સ્થિતિમાં રેલવે સ્ટેશન અને એરપોર્ટ પર કલાકો સુધી યાત્રીઓને રાહ જાવાની ફરજ પડે છે જેથી યાત્રીઓની તકલીફને દૂર કરવાના હેતુસર હવે રેલવે દ્વારા મહત્વની પહેલ કરવામાં આવી છે જેના ભાગરુપે હવે રેલવે એસએમએસના માધ્યમથી યાત્રીઓને તેમના ટ્રેનની વાસ્તવિક માહિતી ઉપલબ્ધ કરાવશે. રેલવે યાત્રીઓને ટૂંક સમયમાં જ આ પ્રકારના મેસેજા મળવાની શરૂઆત થઇ જશે.
જો તેમની ટ્રેનમાં એક કલાકથી વધારે સમય માટે વિલંબ થાય છે તો યાત્રીઓને એસએમએસ સેવાથી માહિતી આપવામાં આવશે. ટ્રેનમાં કલાકનો વિલંબ થાય છે તો યાત્રીઓને એસએમએસ એલર્ટથી વાકેફ કરવામાં આવશે. રેલવે મંત્રી પીયુષ ગોયેલ દ્વારા આજે આ અંગેની માહિતી આપી હતી. ગોયલે પોતાના ટ્વિટમાં એસએમએસની સેવા શરૂ કરવાના સંદર્ભમાં એક વિડિયો પણ શેયર કરીને માહિતી આપી છે. ઠંડીની સિઝનમાં ઇન્ડિયન રેલવે પોતાના યાત્રીઓને વધારે સારી સુવિધા ઉપલબ્ધ કરાવવાના હેતુસર અનેક સુવિધાઓ શરૂ કરવા જઈ રહી છે. આ ઉપરાંત યાત્રીઓને ટ્રેનના લોકેશન, તેના સ્ટેશન પર પહોંચવાના સમય અંગે પણ એસએમએસથી માહિતી આપવામાં આવશે. રાત્રે ૧૧ વાગ્યાથી લઇને સવારે ૭ વાગ્યા સુધી તમામ સ્પેશિયલ પેટ્રોલિંગ ટ્રેનોને તૈનાત કરવામાં આવનાર છે. ટ્રેનોમાં ફોગ સેફ્ટી ડિવાઇઝ મુકવામાં આવશે જેનાથી ટ્રેનના ડ્રાયવરોને સિગ્નલ પોસ્ટ પર ઓડિયો વિઝ્યુઅલ પણ મળશે. રેલવે દ્વારા યાત્રીઓને વધુ સુવિધા ઉપલબ્ધ કરાવવા પર નવી નવી સુવિધાઓ શરૂ કરાઈ રહી છે. યાત્રીને સ્ટેશન પર ટ્રેન માટે ઇંતજાર કરવાની ફરજ પડશે નહીં.