ધોનીએ મુંબઈ સામે અંતિમ ઓવરમાં બાજી પલટી
નવી દિલ્હી, મહેન્દ્ર સિંહ ધોનીએ અંતિમ ઓવરમાં કરેલી આક્રમક બેટિંગની મદદથી ચેન્નઈ સુપર કિંગ્સે આઈપીએલ ટી૨૦ ક્રિકેટ ટુર્નામેન્ટની ૧૫મી સિઝનમાં ગુરૂવારે રમાયેલી મેચમાં ત્રણ વિકેટે દિલધડક વિજય નોંધાવ્યો હતો.
આઈપીએલ-૨૦૨૨માં કંગાળ પ્રદર્શન કરનારી બે ટીમ મુંબઈ ઈન્ડિયન્સ અને ચેન્નઈ સુપર કિંગ્સ આમને સામને હતી. મુંબઈને પ્રથમ બેટિંગનું આમંત્રણ મળ્યું હતું. તિલક વર્માની અડધી સદીની મદદથી મુંબઈ નિર્ધારીત ૨૦ ઓવરમાં સાત વિકેટે ૧૫૫ રન નોંધાવ્યા હતા.
જેના જવાબમાં એક સમયે ચેન્નઈ હારી જશે તેવું લાગી રહ્યું હતું. પરંતુ ધોનીએ અંતિમ બોલમાં ચોગ્ગો ફટકારીને ટીમને રોમાંચક વિજય અપાવ્યો હતો. ધોની ૨૮ રન નોંધાવીને નોટ આઉટ રહ્યો હતો. ચેન્નઈએ ૨૦ ઓવરમાં સાત વિકેટે ૧૫૬ રન નોંધાવીને મેચ જીતી લીધી હતી.
ચેન્નઈને જીતવા માટે અંતિમ ઓવરમાં ૧૭ રનની જરૂર હતી. મેદાનમાં ધોની અને ડ્વેઈન પ્રીટોરિયસ હતા. જયદેવ ઉનડકટે કરેલી ઓવરના પ્રથમ બોલ પર પ્રીટોરિયસ આઉટ થયો હતો. ત્યારબાદ મેદાનમાં આવેલા ડ્વેઈન બ્રાવોએ બીજા બોલ પર સિંગલ લીધો હતો.
હવે ચેન્નઈને ચાર બોલમાં ૧૬ રનની જરૂર હતી. ત્રીજા બોલ પર ધોનીએ સિક્સર ફટકારી હતી. જ્યારે ચોથા બોલ પર તેણે ચોગ્ગો ફટકાર્યો હતો. ચેન્નઈને બે બોલમાં છ રન જાેઈતા હતા. પાંચમાં બોલે ધોનીએ બે રન લીધા હતા. જેના કારણે અંતિમ બોલ પર ચેન્નઈને જીતવા માટે ચોગ્ગાની જરૂરી હતી.
ધોનીએ અંતિમ બોલે ચોગ્ગો ફટકારીને મેચની બાજી પલટી નાંખી હતી. ૧૫૬ રનના ટાર્ગેટ સામે ચેન્નઈ સુપર કિંગ્સની બેટિંગ નિરાશાજનક રહી હતી. જાેકે શ્રેષ્ઠ ફિનિશર્સમાં સામેલ મહેન્દ્ર સિંહ ધોનીએ ટીમને વિજય અપાવ્યો હતો. ઓપનર ઋતુરાજ ગાયકવાડ ખાતું પણ ખોલાવી શક્યો ન હતો.
ટીમને પ્રથમ બોલ પર જ ફટકો પડ્યો હતો. બાદમાં રોબિન ઉથપ્પા અને મિચેલ સેન્ટનરે બાજી સંભાળવાનો પ્રયાસ કર્યો હતો પરંતુ ટીમનો સ્કોર ૧૬ રનનો થયો ત્યારે સેન્ટનર આઉટ થયો હતો. નવ બોલમાં ૧૧ રન નોંધાવ્યા હતા.
બાદમાં ઉથપ્પાએ અંબાતી રાયડુ સાથે મળીને ટીમના સ્કોરને આગળ ધપાવ્યો હતો. આ જાેડીએ ૫૦ રનની ભાગીદારી નોંધાવી હતી. ઉથપ્પાએ ૨૫ બોલમાં બે ચોગ્ગા અને બે સિક્સર સાથે ૩૦ રન નોંધાવ્યા હતા જ્યારે રાયડુએ ૩૫ બોલમાં ૪૦ રનની ઈનિંગ્સ રમી હતી.SSS