ધોનીની જેમ રમવું જરાયે આસાન નથી : સંજુ સેમસન
દુબઈ: ટી-૨૦ લીગની ૧૩મી સિઝનમાં રાજસ્થાનની પહેલી મેચમાં સંજુ સૈમસને ફક્ત ૩૨ બોલમાં ૭૪ રન ફટકાર્યા હતા. તે પણ એમએસ ધોનીની ટીમ ચેન્નાઈ સુપર કિંગ્સ સામે કે જે એક મજબુત ટીમ છે. આ મેચમાં સંજુ સૈમસન મેન ઓફ ધ મેચ તરીકે પસંદ કરવામાં આવ્યો હતો. ત્યારબાદની બીજી મેચમાં કિંગ્સ ઈલેવન પંજાબના હાઈ સ્કોર મેચમાં પણ રાજસ્થાને તેને ચાર વિકેટે હરાવ્યુ હતુ. આ મુકાબલામાં સંજુ સૈમસને ૪૨ બોલમાં ૮૫ રન ફટકાર્યા હતા અને તેમાં પણ મેન ઓફ ધ મેચ તરીકે પંસદ થયો હતો.
એટલે કે બે મેચમાં જ ૭૪ બોલમાં ૧૫૯ રન ફટકારી દીધા હતા. પરંતુ તમે જાણો છો ખરાં કે સંજુ સૈમસનની આ ધુંઆધાર સફળતા પાછળ ટીમ ઈન્ડીયાના કેપ્ટન વિરાટ કોહલીનું પણ યોગદાન છે. સંજુ સૈમસને જ પંજાબ સામે જીત અપાવવાના મહત્વના યોગદાનને લઈને મેચ બાદ વાત કરી હતી અને તે માટે તેણે ખુલાસો કર્યો હતો. વિરાટ કોહલીએ તેમનો મેચ રમવા માટેની પધ્ધતી જ જાણે કે બદલી દીધી હતી. સંજુ સૈમસન અને વિરાટ કોહલી બંને વચ્ચે આ વાતની ચર્ચા જીમમાં થઈ હતી. આ વાત ત્યારની છે કે જ્યારે સંજુ સૈમસન ટીમ ઈન્ડીયાનો હિસ્સો હતો અને જીમમાં કસરત કરી રહ્યો હતો. સંજુ સૈમસને બતાવ્યુ હતુ કે, હુ અને વિરાટભાઈ બંને એક સાથે ટ્રેનીંગ કરી રહ્યા હતા. હુ તેમને સતત પુછતો રહેતો હતો કે તેઓ ફીટનેશની બાબતમાં આટલી એનર્જી કેમ લગાવે છે.
હું તેમને બીજા પણ અન્ય કેટલાક સવાલો પણ પુછતો હતો. તે પછી તેમણે મને પુછ્યુ હતુ કે, સંજુ હજુ કેટલા વર્ષ પોતાની જાતને રમતો જોવા માંગે છે. મેં જવાબમાં કહ્યુ કે હાલમાં હુ ૨૫ વર્ષનો છુ અને આટલેથી હજુ વધુ દશેક વર્ષ વધુ ક્રિકેટ રમી શકીશ.આ વાત સાંભળીને વિરાટ કોહલીએ મને કહ્યુ કે, તો બધુ જ છોડી દઈને ૧૦ વર્ષ તુ આમાં જ લગાવી દે. તુ કેરલનું પસંદગીવાળો ખોરાક આ પછી પણ ખાઈ શકીશ, પરંતુ ૧૦ વર્ષ પછી ક્રિકેટ નહીં રમી શકે. સંજુ સૈમસનના પ્રમાણે વિરાટ કોહલીની આ વાતને લઈને ક્રિકેટ પ્રત્યેના મારા સમર્પણની દ્રષ્ટી જ બદલાઈ ગઇ. મને તેમના તરફથી આવી વાત સાંભળીને ખુબ જ આનંદ થયો.
સંજુ સૈમસને સૌથી પહેલા વર્ષ ૨૦૧૫માં ટીમ ઈન્ડીયામાં જગ્યા બનાવી હતી. જોકે ત્યારબાદ ધીરેધીરે તે પસંદગીકારોની નજરોથી ખોવાઈ જવા લાગ્યો હતો. ત્યારબાદ શ્રીલંકા અને ન્યુઝીલેન્ડ વિરુદ્ધ ની ટી-૨૦ સિરીઝમાં તેને મોકો મળ્યો હતો. પરંતુ તે ત્રણ મેચોમાં ખાસ દેખાવ કરી શક્યો નહોતો. મહેન્દ્રસિંહ ધોની સાથે તુલના કરવા પર પણ સંજુ સૈમસને કહ્યુ હતુ કે, કોઈ પણ ધોનીની માફક રમી શકે એમ નથી અને કોઈએ આવુ વિચારવુ પણ ના જોઈએ. ધોનીની જેમ રમવુ એ સહેજપણ આસાન નથી. તે આ સુંદર રમતના સર્વશ્રેષ્ઠ ફિનિશરમાંથી એક છે. મેં ક્યારેય એમએસ ધોનીની જેમ રમત વિશે વિચાર્યુ નથી.