ધોનીનું ફાર્મહાઉસ ૪૩ એકર જમીન ઉપર ફેલાયેલું છે
નવી દિલ્હી: ક્રિકેટથી નિવૃત્તિ લઇને ભારતના જાણીતા ક્રિકેટર અને ભૂતપૂર્વ કેપ્ટન મહેન્દ્ર સિંહ ધોની હવે ખેતી તરફ વળ્યા છે. ધોનીએ પોતાના ફાર્મહાઉસમાં મોટા પ્રમાણમાં જામફળ, પપૈયા અને સ્ટ્રોબેરીની ખેતી કરી છે. આ માટે, તેમણે બેંગ્લોર અને અન્ય દક્ષિણ રાજ્યોમાંથી સુધારેલી ગુણવત્તાના બીજ મંગાવ્યા છે.
મહેન્દ્ર સિંહ ધોનીના કૃષિ સલાહકાર રોશન કુમારે જણાવ્યું હતું કે ધોની ખેતીમાં વિશેષ રસ લઈ રહ્યો છે અને તેના ફાર્મહાઉસ પર તેનું ખાસ ફોકસ છે. જ્યારે પણ ધોની રાંચીમાં હોય ત્યારે તે પરિવાર સાથે આ ફાર્મહાઉસમાં આવવાનું ભૂલતો નથી. આ ફાર્મહાઉસમાં ધોની મોટા પાયે શાકભાજીની ખેતી કરી છે. લગભગ ૨ એકરમાં વટાણાનું વાવેતર થયું છે. કોબી, બટાકા અને ટામેટા સહિતની અન્ય ઘણી શાકભાજી પણ તે અહીં ટપક પદ્ધતિથી ઉગાડે છે. ધોનીના કૃષિ સલાહકાર રોશન કુમારે જણાવ્યું હતું કે આ ફાર્મહાઉસ સ્થિત નેટ હાઉસમાં સીડલિંગ હેઠળ બીજમાંથી છોડ તૈયાર કરવામાં આવે છે.
આ પછી છોડ જુદી જુદી જગ્યાએ રોપવામાં આવે છે. અહીં, વટાણાની અદ્યતન જાતનું વાવેતર કરવામાં આવ્યું છે, જે ૬૦ થી ૭૦ દિવસમાં તૈયાર થઈ જશે. ટામેટા પાક પણ ખેતરોમાં ઉગી રહ્યો છે. રોશનના કહેવા પ્રમાણે, ધોનીની પત્ની સાક્ષી પણ ફાર્મહાઉસ પહોંચ્યા પછી ખેતીમાં રસ લે છે. તે શાકભાજી અને ફળો પોતાના હાથથી તોડીને ઘરે લઈ જાય છે. ધોની ખેતીની સાથે ગાયનું પશુપાલન પણ કરે છે.
આ ફાર્મહાઉસમાં ૩૦૦ ગાયોને ઉછેરવાની યોજના છે. જ્યારે પણ ધોની ફાર્મહાઉસ આવે છે, ત્યારે તે અહીં હાજર ગાય સાથે સમય વિતાવે છે. કેટલીકવાર તો તે પોતાના હાથથી ગાયના છાણને પણ સાફ કરે છે. ધોનીના ફાર્મહાઉસની શાકભાજી અને ફળો તેના ઘર ઉપરાંત બજારોમાં મોકલવામાં આવે છે. અહીં ફળો અને શાકભાજી ઉપરાંત ડાંગરની પણ ખેતી કરવામાં આવે છે. કાળું જીરા નામના ડાંગર પણ તેણે વાવ્યા છે. આ ડાંગર હવે ધોની ડાંગર તરીકે પ્રખ્યાત થઈ રહ્યો છે. ધોની ખેતી અને ગાય ઉછેર ઉપરાંત મરઘી ઉછેર પર પણ ધ્યાન કેન્દ્રિત કરી રહ્યો છે.