ધોનીને જોતા યુવા યશસ્વીએ હાથ જોડીને પ્રણામ કર્યા
નવી દિલ્હી: ભારતના પૂર્વ કેપ્ટન (Dhoni) મહેન્દ્રસિંહ ધોનીએ ભલે આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી નિવૃત્તિની જાહેરાત કરી દીધી હોય પણ તે હજુ યુવા ખેલાડીઓ માટે પ્રેરણા છે. દિગ્ગજોથી લઈને યુવા ખેલાડીઓ દરેક ધોનીના પ્રશંસક છે. ક્યારેક (Sachin Tendulkar) સચિન તેંડુલકરને પૂજનાર ધોની આજે ઘણા યુવા ખેલાડીઓનો ભગવાન છે. ધોનીને મળવું તેની સાથે રમવું ઘણા ખેલાડીઓ માટે સપના જેવું હોય છે. અંડર ૧૯ વર્લ્ડ કપના સ્ટાર બનીને ઉભરેલા યશસ્વી જાયસ્વાલને તક મળી તો તે માહી પ્રત્યે પોતાનું સન્માન બતાવવાનું ભૂલ્યો ન હતો.
મુંબઈના યશસ્વી જાયસ્વાલની કહાની લગભગ દરેક ક્રિકેટપ્રેમી જાણે છે. પાણીપુરી વેચનાર યશસ્વીએ અંડર-૧૯ વર્લ્ડ કપમાં ઘણા રન ફટકાર્યા હતા. તેના રેકોર્ડ્સ પ્રદર્શનના કારણે પહેલા જ રાજસ્થાને તેને પોતાની ટીમમાં સામેલ કર્યો હતો. આઈપીએલમાં મંગળવારે રાજસ્થાન રોયલ્સ અને માહીની ટીમ (Chennai super kings) ચેન્નઈ સુપરકિંગ્સ વચ્ચે મુકાબલો હતો. આ મેચમાં જ્યારે ધોની યુવા યશસ્વી સામે આવ્યો તો તે પોતાની ભાવના રોકી શક્યો ન હતો. મેચ શરૂ થતા પહેલા ધોની મેદાનમાં વોર્મઅપ કરી રહ્યો હતો.
યશસ્વીની મુલાકાત ધોની સાથે સાથે હતી. બંનેએ પહેલા નિયમો પ્રમાણે હાથ ન મિલાવતા ફિસ્ટ પંપ કર્યું હતું. આ પછી યશસ્વી ધોની સામે બંને હાથ જોડીને ઉભો રહી ગયો હતો. તેની આ સાદગી પ્રશંસકોને ઘણી પસંદ આવી હતી અને સોશિયલ મીડિયા પર આ વીડિયો ઘણો વાયરલ થયો છે. આ દરમિયાન ધોની યશસ્વીને જોઇને હસ્યો હતો અને વાત કરતો રહ્યો હતો. યશસ્વી રાજસ્થાન રોયલ્સ તરફથી પ્રથમ મેચમાં ઓપનિંગમાં ઉતર્યો હતો પણ તે ખાસ કમાલ કરી શક્યો ન હતો.