ધોની નિવૃત્ત થયો હોવાની અફવા ટ્વિટર પર ટ્રેન્ડ થઈ
ટિ્વટના થોડા સમયમાં તેને ડીલીટ પણ કરી દેવાઈ હતી
મુંબઈ, છેલ્લા એક વર્ષથી મહેન્દ્રસિંહ ધોની ક્રિકેટ રમી રહ્યો નથી. ૨૦૧૯ના જુલાઈમાં ઇંગ્લેન્ડમાં વર્લ્ડ કપ દરમિયાન તે ન્યૂઝીલેન્ડ સામેની સેમિફાઇનલમાં રમ્યો ત્યાર બાદ એકેય ઇન્ટરનેશનલ મેચ રમ્યો નથી. ધોનીએ તો આ અંગે કાંઈ કહ્યું નથી પરંતુ બુધવારે રાતથી ટિ્વટર પર એક ટ્રેન્ડ શરૂ થયો છે ધોની રિટાયર. ધોનીના પ્રશંસકો તો આ માટે તેને શુભેચ્છા પણ આપવા લાગ્યા હતા. જોકે તેની પત્ની સાક્ષીએ આ અંગે ખુલાસો કર્યો છે.
આ ટ્રેન્ડ જોઇને સાક્ષી પોતાની જાતને રોકી શકી નહીં. તેણે ટિ્વટ કર્યું છે કે આ માત્ર અફવા છે. મને ખબર છે કે લોકડાઉનમાં લોકો માનસિક રીતે પરેશાન છે. જોકે આ ટિ્વટના થોડા સમયમાં જ તેને ડીલીટ પણ કરી દેવાઈ હતી. એવી અપેક્ષા રખાતી હતી કે ધોની આ વર્ષે આઇપીએલ સાથે પુનરાગમન કરશે અને તેણે પ્રેક્ટિસ પણ શરૂ કરી દીધી હતી. જોકે કોરોના વાયરસને કારણે લાગેલા લોકડાઉનથી આઇપીએલની ૧૩મી સિઝન પડતી મૂકાઈ છે.
આમ ધોનીના પુનરાગમન અંગે ફરીથી સવાલો પેદા થવા લાગ્યા છે. ભારતના મહાન ક્રિકેટર સુનીલ ગાવસ્કરે તો એમ પણ લખ્યું હતું કે આ વર્ષે ઓક્ટોબરમાં યોજાનારા ટી૨૦ વર્લ્ડ કપમાં ધોની રમે તેવી તેઓ અપેક્ષા રાખી રહ્યા છે. જોકે હવે ટી૨૦ વર્લ્ડ કપના આયોજન સામે પણ પ્રશ્નાર્થ છે. દરમિયાન ઓસ્ટ્રેલિયન ક્રિકેટ બોર્ડે ગુરુવારે ભારતીય ટીમના આગામી ઓસ્ટ્રેલિયા પ્રવાસનો કાર્યક્રમ જાહેર કરી દીધો છે.