Western Times News

Gujarati News

ધોરણ-૧૦ની વિદ્યાર્થિની ઘર છોડ્યા બાદ મુંબઈથી મળી

સુરત, શહેરના વેસુ વિસ્તારની એક સ્કૂલમાં ચાલું ક્લાસમાં તોફાન-મસ્તી કરતી ધોરણ ૧૦ની વિદ્યાર્થિનીને તેના પિતાએ ઠપકો આપતા તે ઘર છોડીને ચાલી જતાં પોલીસ અને પરિવારજનો દોડતા થઈ ગયા હતા. જાેકે મુંબઈના ચર્ચગેટ પાસે આવેલી ચર્ચ ખાતે પહોંચેલી સુરતની આ વિદ્યાર્થિનીએ મધર ટેરેસા ચેરિટી ઓફિસના સ્ટાફની મદદથી સંબંધીને ફોન કરીને પોતે મુંબઈ હોવાનું જણાવતા પોલીસ અને પરિવારે રાહતનો શ્વાસ લીધો હતો.

મળતી માહિતી મુજબ, સુરતના વેસુ વીઆઈપી રોડ સ્થિત શ્યામ મંદિર વિસ્તારમાં રહેતા કાપડના એક વેપારી સામાજિક કામ અર્થે બહારગામ ગયા હતા. તે દરમિયાન વેસુ વિસ્તારની સ્કૂલમાં અંગ્રેજી માધ્યમમાં અભ્યાસ કરતી તેમની પુત્રી શિવાની (ઉંમર. ૧૪ નામ બદલ્યું છે) ચાલુ ક્લાસમાં મસ્તી કરતી હોવાથી પ્રિન્સિપલે તેમને મળવા માટે બોલાવ્યા હોવાનો ફોન આવ્યો હતો. કાપડના આ વેપારી જ્યારે બહારગામથી પરત ઘરે આવ્યા ત્યારે દીકરી શિવાનીને સ્કૂલમાં મજાક-મસ્તી અને તોફાન કેમ કરે છે તેવું કહીને ઠપકો આપ્યો હતો. વેપારીએ દીકરીને એવું પણ કહ્યું હતું કે મને તારી સ્કૂલમાં મળવા માટે બોલાવ્યો છે.

જેથી દીકરી શિવાની ઘર છોડીને ચાલી ગઈ હતી. સ્થાનિક વિસ્તાર અને મિત્ર વર્તુળમાં તપાસ કરી હતી, પરંતુ શિવાનીની કોઈ ભાળ નહીં મળતાં છેવટે પોલીસમાં આ અંગે ફરિયાદ નોંધાવી હતી. ફરિયાદ નોંધાતા પોલીસે સીસીટીવી ફુટેજના આધારે તપાસ શરૂ કરી હતી. તે દરમિયાન વેપારીના એક સંબંધી પર દીકરી શિવાનીનો ફોન આવ્યો હતો અને શિવાનીએ પોતે હાલ મુંબઈના ચર્ચગેટ સ્થિત ચર્ચની બાજુમાં મધર ટેરેસા ચેરિટીની ઓફિસમાં હોવાનું જણાવ્યું હતું.

જેથી પિતા એવા કાપડના આ વેપારીને દીકરી શિવાની મુંબઈમાં હોવાની જાણ થઈ હતી. વેપારીએ પોલીસની મદદથી જે નંબર પરથી કોલ આવ્યો હતો તે મધર ટેરેસા ચેરિટીના મહિલા મેમ્બર સાથે વાત કરી હતી અને બીજી તરફ મુંબઇ રહેતા સંબંધીને તાત્કાલિક મોકલી શિવાનીનો કબજાે લઈ લીધો હતો.SSS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.