ધોરણ ૧૦ અને ૧૨માં ૩૦ ટકા કોર્સ ઘટાડવાની વિચારણા
અમદાવાદ, કોરોના કાળને કારણે ગુજરાતમાં શિક્ષણ હજુ સંપૂર્ણપણે નોર્મલ થઇ શક્યું નથી, ત્યારે ચાલુ શૈક્ષણિક વર્ષમાં પણ ધો.૧૦ અને ધો.૧૨ના બોર્ડ અભ્યાસક્રમમાં સીબીએસઇની માફક જ ૩૦ ટકાનો કાપ મૂકવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી હોવાનું જાણવા મળ્યું છે, આ મામલે એક સમિતિની પણ રચના કરવામાં આવી છે, જેના અહેવાલના આધારે ટૂંક સમયમાં ર્નિણય લેવાવાની શક્યતા છે.
ગુજરાતમાં ધોરણ ૫થી ૧૨નું ઓફલાઇન શિક્ષણ શરૂ તો કરવામાં આવ્યું છે, પણ ધોરણ ૧૦ અને ૧૨માં ૨૫ ટકા વિદ્યાર્થીઓ પણ ઓફલાઇનમાં અભ્યાસ કરવા આવતા નથી અને હજુ ઓનલાઇન જ ભણી રહ્યા છે, એ સંજાેગોમાં ધો.૧૦ અને ૧૨ના અભ્યાસક્રમમાં ૩૦ ટકાનો કાપ મૂકવાની વિચારણા છે. ધો.૧૦માં ૯ લાખ તથા ધો.૧૨માં ૭ લાખ વિદ્યાર્થી છે. સીબીએસઇ બોર્ડ દ્વારા અભ્યાસક્રમમાં ૩૦ ટકાનો ઘટાડો કરવામાં આવ્યો છે. ગુજરાત એને અનુસરે એવી શક્યતા છે.
બોર્ડ અભ્યાસક્રમમાં કાપ મુકવા સંબધિત ભલામણ ચુકવવા માટે શિક્ષણ બોર્ડ દ્વારા સમિતિ બનાવવામાં આવી છે. તેના દ્વારા શિક્ષણ બોર્ડને ભલામણ રીપોર્ટ આપવામાં આવશે. સમિતિ દ્વારા અભ્યાસક્રમમાં ૩૦ ટકાનો ઘટાડો કરવાની ભલામણ કરવામાં આવે તેવી શક્યતા છે કેમકે સીબીએસઇએ પણ ૩૦ ટકા કોર્ષ ઘટાડ્યો છે, જાેકે અભ્યાસક્રમ કેટલો ઘટાડવો તેનો આખરી ર્નિણય રાજ્ય સરકાર દ્વારા જ કરવામાં આવશે.
૨૦૨૧-૨૨ના શૈક્ષણિક વર્ષ પછી જ અભ્યાસક્રમ રીવાઇઝડ થઇ શકશે. ધો.૧૦ અને ૧૨ની પરીક્ષા શિક્ષણ બોર્ડ દ્વારા લેવામાં આવતી હોય છે. જેમાં અભ્યાસક્રમમાંથી બે ચેપ્ટર કાઢી નાખવામાં આવે તેમાંથી બોર્ડના પ્રશ્ન પત્રોમાં કોઇ પ્રશ્નો પુછવામાં નહીં આવે. અભ્યાસક્રમમાંથી કયાં ચેપ્ટર રદ કરવા તે વિશે પણ સમિતિ ભલામણ કરશે. ઉચ્ચ શિક્ષણ કે સ્પર્ધાત્મક પરીક્ષામાં નુકસાન થાય તેવા ચેપ્ટર રદ ન થાય તેની કાળજી રાખવામાં આવશે. ગુજરાત બોર્ડ દ્વારા સતત બીજા વર્ષે અભ્યાસક્રમમાં કાપ મુકવાની સાથોસાથ પ્રથમ અને બીજા ટર્મનો અભ્યાસક્રમ પણ નકકી કરવામાં આવશે.
ગત વર્ષે શિક્ષણ વિભાગે ધો.૯ થી ૧૨ના અભ્યાસક્રમમાં ૩૦ ટકાનો કાપ મુકવાની જાહેરાત સપ્ટેમ્બર મહિનામાં કરી હતી. આ વર્ષે પણ શિક્ષણ હજુ નોર્મલ થયું નથી ધો.૫થી ૧૨માં ફિઝીકલ શિક્ષણ શરૂ થયું છે. પણ ૨૫ ટકા વિદ્યાર્થીઓ પણ સ્કૂલે ભણવા જતા નથી, ઓનલાઇન શિક્ષણ પણ ચાલુ જ છે. આ રીતે હજુ શિક્ષણ સંપૂર્ણપણે નોર્મલ થયું ન હોવાથી અભ્યાસક્રમમાં કાપ મુકવાની વિચારણા છે.HS