Western Times News

Gujarati News

ધોરણ ૯માં ભણતા બે વિદ્યાર્થીઓને કોરોના થયો

ગાંધીનગર, ગુજરાતમાં કોરોના વાયરસના કેસમાં છેલ્લા ઘણા દિવસથી સતત ઘટાડો થતાં રાજ્ય સરકારે માર્ગદર્શિકાના ચુસ્ત પાલન સાથે સ્કૂલો ખોલી છે. ૨ સપ્ટેમ્બરથી ધોરણ ૬થી ૮ના વિદ્યાર્થીઓ માટે ઓફલાઈન ક્લાસ શરૂ કરવામાં આવ્યા છે જ્યારે ધોરણ ૯થી ૧૧ના વિદ્યાર્થીઓ માટે જુલાઈ મહિનાથી સ્કૂલે જઈ રહ્યા છે.

આ સિવાય ધોરણ ૧૨ માટે ઘણા સમય પહેલા વર્ગખંડોમાં અભ્યાસ શરૂ કરવામાં આવ્યો છે. સ્કૂલો ખુલી તેને હજી થોડો જ સમય થયો છે ત્યાં સુરતના ઉધના વિસ્તારમાં આવેલી એક સ્કૂલના ધોરણ ૯ના બે વિદ્યાર્થીઓ કોરોના પોઝિટિવ આવતા જ વાલીઓ અને તંત્રની ચિંતામાં વધારો થયો છે. તકેદારીના ભાગ રૂપે મહાનગરપાલિકાએ સ્કૂલ બંધ રાખવા માટે આદેશ આપ્યો છે.

સુરત મહાનગરપાલિકાના ઉધના ઝોન વિસ્તારમાં આવેલી લિયો સનગ્રેસ સ્કૂલના ધોરણ ૯ના બે વિદ્યાર્થીઓનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. એસએમસી દ્વારા સ્કૂલમાં તે માટે સતત ટેસ્ટની કામગીરી હાથ ધરવામાં આવી છે. જેમાં ધોરણ ૯માં ભણતા બે વિદ્યાર્થીઓનો રેપિડ ટેસ્ટ પોઝિટિવ આવ્યો હતો. એક તરફ શહેરમાં કોવિડ-૧૯ના કેસ ઘટી રહ્યા છે અને બીજી તરફ વિદ્યાર્થીઓને કોરોના થતાં મહાનગરપાલિકાના અધિકારીઓ પણ ચોંકી ઉઠ્‌યા હતા. સાવચેતીના ભાગરૂપે સાત દિવસ સ્કૂલ બંધ રાખવાનો આદેશ આપ્યો છે.

સરકાર દ્વારા સ્કૂલો શરૂ કરવામાં આવી છે અને વિદ્યાર્થીઓ પણ ઓફલાઈન અભ્યાસ માટે તૈયાર થઈ રહ્યા છે. જાે કે, મનપા સંચાલિત નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના ધોરણ ૬થી ૮ના વિદ્યાર્થીઓના ૨૪ ટકા વાલીઓએ જ ઓફલાઈન શિક્ષણની મંજૂરી આપી છે.

સુરતમાં એક દિવસ પહેલા કોરોનાના ૩ નવા કેસ સામે આવ્યા હતા. જ્યારે જિલ્લામાં એક પણ નવો કેસ સામે આવ્યો નહોતો. અત્યારસુધીમાં શહેર અને જિલ્લામાં કુલ ૧,૪૩,૫૬૩ કેસ સામે આવી ચૂક્યા છે. અત્યારસુધીમાં કુલ ૧,૯૫૫ લોકોના કોરોનાના કારણે મોત થઈ ચૂક્યા છે. જ્યારે ૧,૪૧,૫૯૦ વાયરસને હરાવ્યો છે. એક દિવસ પહેલા શહેરમાં ૧ અને જિલ્લામાં ૩ લોકો કોરોના મુક્ત બન્યા હતા. હાલ શહેર અને જિલ્લામાં ૧૩ એક્ટિવ કેસ છે.SSS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.