Western Times News

Gujarati News

ધોરણ-૯ અને ૧૧ની વાર્ષિક પરીક્ષા પહેલીથી શરૂ થઇ જશે

પ્રતિકાત્મક

અમદાવાદ: ભારતમાં ખૂબ જ ઝડપથી ફેલાઈ રહેલા કોરોના વાયરસના કારણે સાવચેતીના પગલા રૂપે ગુજરાત સરકારે હાલમાં શાળા અને કોલેજમાં શૈક્ષણિક કાર્ય બંધ રાખવાના આદેશ આપ્યા છે. જેના લીધે પરીક્ષાઓ મોકૂફ રાખવામાં આવી હતી પરંતુ હવે ગુજરાત માધ્યમિક શિક્ષણ બોર્ડે ધોરણ-૯ અને ૧૧ની વાર્ષિક પરીક્ષાના કાર્યક્રમમાં ફેરફાર કર્યો છે. વાર્ષિક પરીક્ષાના નવા સમયપત્રક પ્રમાણે ધોરણ-૯ અને ૧૧ની વાર્ષિક પરીક્ષા આગામી તા.૧ એપ્રિલથી શરૂ થશે અને તા.૧૧ એપ્રિલ સુધી આ પરીક્ષા લેવાશે.

આ અગાઉ બોર્ડ દ્વારા ધોરણ-૯ અને ૧૧ની વાર્ષિક પરીક્ષા તા.૭ થી ૧૮ એપ્રિલ દરમિયાન લેવાની સૂચના આપી હતી પરંતુ શાળા સંચાલકોની રજૂઆત બાદ બોર્ડ દ્વારા પરીક્ષાની તારીખોમાં ફેરફાર કરવામાં આવ્યો છે. પરીક્ષા પૂરી થયા બાદ પેપર તપાસવા માટેનો સમય રહેતો નથી કારણકે તા.૨૦ એપ્રિલથી નવુ સત્ર શરૂ થઈ રહ્યુ છે. જેથી બોર્ડે તારીખોમાં ફેરફાર કરીને નવી તારીખો જાહેર કરી છે. જેથી શિક્ષકોને પેપર તપાસવાનો અને પરિણામ બનાવવા માટેનો યોગ્ય સમય મળી રહેશે.

બીજીબાજુ, ગુજકેટની પરીક્ષા નિયત કરેલા સમયપત્રક પ્રમાણે તા.૩૧ માર્ચે જ લેવાશે. પરીક્ષા આપનારા વિદ્યાર્થીઓ હોલ ટિકિટ ડાઉનલોડ કરી શકે છે. આ વર્ષે રાજ્યમાંથી ૧.૨૫ લાખ ઉમેદવારો ગુજકેટની પરીક્ષા આપશે. જેમાં ગ્રુપ એમાં ૪૯ હજાર, ગ્રુપ બીમાં ૭૫ હજાર અને ગ્રુપ એબીમાંથી ૩૭૪ ઉમેદવારો પરીક્ષા આપશે. આમ, બોર્ડ દ્વારા લેવાયેલા નિર્ણયને પગલે વિદ્યાર્થીઓ અને વાલીઓમાં પણ તેની મિશ્ર પ્રત્યાઘાત સાથે નોંધ લેવાઇ હતી.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.