ધોરણ 10 અને 12ના રિપીટર વિદ્યાર્થીઓની પરીક્ષા 15 જુલાઈથી યોજાશે
ગુજરાતના ધોરણ 10 અને 12ના રિપીટર વિદ્યાર્થીઓની પરીક્ષા 15 જુલાઈથી યોજવાનો નિર્ણય માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા કરવામાં આવ્યો છે. પરીક્ષાનો વિગતવાર કાર્યક્રમ ટૂંક સમયમાં જાહેર કરવામાં આવશે. માધ્યમિક શિક્ષણ બોર્ડના સચિવ ડી.એસ. પટેલે જણાવ્યું હતું કે રાજ્યની હાલની કોરોનાની પરિસ્થિતિને ધ્યાને લઈ બોર્ડના રિપીટર વિદ્યાર્થીઓની પરીક્ષા યોજવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.
ગુજરાતમાં ધોરણ 10 અને 12ના નિયમિત, રિપીટર, ખાનગી અને પૃથક્ક ઉમેદવારોની બોર્ડની જાહેર પરીક્ષા પહેલી જુલાઈના રોજ લેવાનો નિર્ણય સરકારે કર્યો હતો, પરંતુ કોરોનાની સ્થિતિને ધ્યાનમાં રાખીને આ પરીક્ષાઓ મોકૂફ રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો.
હવે આ રિપીટર વિદ્યાર્થીઓની પરીક્ષાને લઈને ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા ધોરણ 10 અને 12ના વિજ્ઞાન પ્રવાહ અને સામાન્ય પ્રવાહના રિપીટર, ખાનગી અને પૃથક્ક ઉમેદવારોની પરીક્ષા આગામી 15 જુલાઈના રોજ લેવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. આ અંગેનો વિગતવાર કાર્યક્રમ હવે પછી જાહેર કરવામાં આવશે. સ્કૂલોના આચાર્યોએ પરીક્ષાને લઈને વિદ્યાર્થીઓના વાલીઓને જાણ કરવાની રહેશે, એમ શિક્ષણ બોર્ડની યાદીમાં જણાવ્યું છે.