ધોલેરા તાલુકાના 14 જેટલાં ગામોની પ્રાથમિક શાળામાં ઊજવાયો શાળા પ્રવેશોત્સવ
ધોલેરા તાલુકાનાં ગામોની પ્રાથમિક શાળાઓમાં ભૂલકાંઓએ કર્યો શાળા પ્રવેશ –ઉચ્ચ અધિકારીઓની ઉપસ્થિતિમાં વિવિધ જગ્યાએ યોજાયા કાર્યક્રમો
રાજ્યમાં આજથી શાળા પ્રવેશોત્સવ અને કન્યા કેળવણી મહોત્સવ 2024નો પ્રારંભ થયો છે. ત્રણ દિવસ સુધી ચાલનારા આ અભિયાનમાં સમગ્ર રાજ્યના તમામ ગામોમાં શાળા પ્રવેશોત્સવ ઊજવાશે.
અમદાવાદ જિલ્લાના ધોલેરા તાલુકાના અનેક ગામોમાં આજે અભિયાનના પ્રથમ દિવસે શાળા પ્રવેશોત્સવ ઊજવાયો હતો. પ્રવેશોત્સવના પ્રથમ દિવસે ધોલેરા તાલુકાનાં આશરે 14 જેટલા ગામોમાં ભૂલકાંઓએ ઉત્સાહભેર શાળા પ્રવેશ કર્યો હતો. તમામ ગામોમાં તાલુકા તથા જિલ્લાના વહીવટીતંત્રના અધિકારીઓની પ્રોત્સાહક ઉપસ્થિતિમાં શાળા પ્રવેશોત્સવ ઊજવાયો હતો અને ઉપસ્થિત મહાનુભાવો દ્વારા ભૂલકાંઓને શૈક્ષણિક કિટ આપી શાળા પ્રવેશ કરાવાયો હતો.
તમામ ગામોમાં શાળા પ્રવેશોત્સવના યોજાયેલ કાર્યક્રમમાં તેજસ્વી વિદ્યાર્થીઓને સન્માનિત કરવામાં આવ્યા હતા.
ધોલેરા તાલુકાના મીંગલપુર, ઝાંખી, રાજપુર, ખુણ, ગોગલા, ધોલેરા, સરસલાપરા, આંબલી, કામાતળાવ, કાદીપુર, ભડીયાદ, શેલા, નવાગામ કરણા, રાહતળાવ એમ 14 જેટલા ગામોમાં શાળા પ્રવેશોત્સવ ઊજવાયો હતો. જેમાં બાલવાટિકામાં 246 ભૂલકાંઓને તથા ધો.1માં 232 જેટલાં બાળકોને પ્રવેશ આપવામાં આવ્યો હતો. કાર્યક્રમના અંતે તમામ ગામોમાં તમામ પ્રાથમિક શાળાના પ્રાંગણમાં વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું.
આ પ્રસંગે સ્થાનિક પદાધિકારીઓ, ગામના સરપંચ, શાળાના આચાર્ય, શિક્ષકો, વાલીઓ અને ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા.