ધોળકામાં રીક્ષા અને કાર વચ્ચે ગોઝારો અકસ્માતઃ ચારના મોત
ધોળકા, ધોળકામાં આજે રીક્ષા અને કાર વચ્ચે ગોઝારો અકસ્માત થયો હતો. જેમાં એક બાળક સહીત ચાર વ્યક્તિના મોત નિપજ્યા હતા. આ ઘટના બાદ ટ્રાફિક જામ થઇ ગયો હતો. અકસ્માતની જાણ થતા ધોળકા પોલીસ ઘટના સ્થળે પહોંચી ગઈ હતી અને તપાસ શરુ કરી હતી. આ ઘટનાની વિગત એવી છે કે ધોળકા બગોદરા હાઈ વે ઉપર ખાનપુર પાટિયા પાસે એક કાર અને રીક્ષા વચ્ચે ભયંકર અકસ્માત થતા બે પુરુષ, એક સગીરા તથા એક બાળક નું ઘટના સ્થળે જ મૃત્યુ થયું હતું. આ ઘટનામાં રીક્ષાનો ડૂચો વળી ગયો હતો. જયારે કારને પણ ખુબ જ નુકશાન પહોંચ્યું છે. જયારે કેટલાક ગંભીર રીતે ઘાયલ પણ થયા હતા. જેમને સારવાર માટે અમદાવાદની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. આ મામલે ધોળકા પોલીસે તપાસ શરુ કરી છે. મૃતકોમાં વિક્રમભાઈ દેવીપૂજક, તેજા ભરવાડ તથા આરતી ભરવાડ સામેલ છે. જે એક જ ગામના હોવાનું જાણવા મળ્યું છે.